ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહાન બેટ્સમેન અને ભારત રત્ન સચિન તેંડુલકરને ESPNcricinfo એવોર્ડ સમારોહમાં 21મી સદીના ગ્રેટેસ્ટ મેન્સ ઈન્ટરનેશનલ બેટર પસંદ કરવામાં આવ્યા છે. સચિનને આ સન્માન તેમની એ સિદ્ધિઓ માટે આપવામાં આવ્યું છે જે તેમણે પોતાની ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર દરમિયાન હાંસલ કરી હતી. સચિન ઉપરાંત આ સમારોહમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને અત્યાર સુધીના સૌથી મહાન T20 બોલર જાહેર કરવામાં આવ્યા છે.
જેક કાલિસ બન્યા સદીના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર
ESPNcricinfoના આ એવોર્ડ સમારોહમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસને સદીના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર જાહેર કરવામાં આવ્યા છે, સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સને T20 ક્રિકેટના અત્યાર સુધીના સૌથી મહાન બેટ્સમેન જાહેર કરવામાં આવ્યા છે. જોકે T20 ક્રિકેટમાં એવા ઘણા બેટ્સમેનો થયા છે જે એબી ડી વિલિયર્સ કરતાં પણ વધુ ઘાતક હતા અને છે, પરંતુ એબીએ એ બધાને પાછળ છોડીને આ ખિતાબ પર પોતાનો કબ્જો જમાવ્યો છે. એલિસ પેરીને સદીની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સમારોહમાં શ્રીલંકાના પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરનને સદીના સર્વશ્રેષ્ઠ પુરુષ બોલર જાહેર કરવામાં આવ્યા છે. વિરાટ કોહલીને આ સદીના ટોચના 25 મહાન ક્રિકેટરોમાં ત્રીજા સ્થાન પર રાખવામાં આવ્યા છે, જ્યારે જેક કાલિસને પહેલા અને સચિન તેંડુલકરને બીજા સ્થાન પર રાખવામાં આવ્યા છે.
