ભારતીય વિકેટકીપર-બેટર સંજુ સેમસને અફઘાનિસ્તાન સામેની બીજી T20I મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને ફોર્મમાં વાપસીના સંકેત આપ્યા છે. ઓપનર તરીકે રમતા સંજુએ માત્ર 22 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 57 રનની તોફાની ઇનિંગ રમી હતી.તેણે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ શાનદાર ઇનિંગ સાથે સંજુ સેમસને T20Iમાં એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે.ભારત માટે ઓપનર તરીકે રમતા તેણે 1000થી વધુ રન પૂરા કરી લીધા છે. આ સાથે તે ભારત માટે T20Iમાં ઓપનર તરીકે 1000થી વધુ રન બનાવનારા પસંદગીના બેટર્સની યાદીમાં સામેલ થઈ ગયો છે.

રોહિત શર્માના ક્લબમાં જોડાયો 

આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન Rohit Sharma સૌથી આગળ છે. રોહિતે T20Iમાં ભારત માટે ઓપનિંગ કરતા કુલ 3750 રન બનાવ્યા છે. તેમના પછી કે.એલ. રાહુલના 1826 રન, શિખર ધવનના 1759 રન અને અભિષેક શર્માના 1726 રન છે. હવે સંજુ સેમસનના નામે ઓપનર તરીકે 1026 રન થઈ ગયા છે.

સંજુને મળ્યો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ 

સંજુ માટે આ ઇનિંગ ખાસ એટલા માટે પણ મહત્વની છે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી બેટિંગમાં સંઘર્ષ કરી રહ્યો હતો. T20 વર્લ્ડ કપ 2026માં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ અને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ બન્યા પછી તેની બેટિંગમાં સતત સારો દેખાવ જોવા મળ્યો નહોતો. અફઘાનિસ્તાન સામેની બીજી T20Iમાં તેણે આક્રમક બેટિંગ કરીને ફરી પોતાની ક્ષમતા બતાવી છે.

Sanju Samson Completes 1000 T20I Runs -1

ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

બીજી T20Iમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે માત્ર 14.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.સંજુ સેમસન અને અભિષેક શર્માએ ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી.બંનેએ મળીને 88 રનની ભાગીદારી કરી હતી.અભિષેકે 19 બોલમાં 38 રન બનાવ્યા હતા. જોકે 7મી ઓવરમાં રાશિદ ખાને બંને ઓપનર્સને આઉટ કરીને અફઘાનિસ્તાનને વાપસીની તક આપી હતી.

ઈશાન કિશ અને  તિલક વર્માએ યોગદાન આપ્યું 

ત્યારબાદ ઈશાન કિશને નાબાદ 38 રન અને તિલક વર્માએ નાબાદ 15 રન બનાવીને ભારતને લક્ષ્યાંક સુધી પહોંચાડ્યું હતું.કેપ્ટન શ્રેયસ અય્યર 11 રન બનાવીને આઉટ થયો હતો. અફઘાનિસ્તાન તરફથી ત્રણેય વિકેટ રાશિદ ખાને ઝડપી હતી.આ જીત સાથે ભારતે સીરિઝમાં અજેય લીડ મેળવી છે.બીજી તરફ સંજુ સેમસનની 57 રનની ઇનિંગે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર આપ્યા છે અને T20Iમાં ઓપનર તરીકે 1000 રનનો આંકડો પાર કરીને તેણે પોતાની કારકિર્દીમાં વધુ એક ખાસ સિદ્ધિ ઉમેરી છે.

આ પણ વાંચો - IND vs AFG T20: સંજુ સેમસને તોફાની ઇનિંગ્સથી કર્યો પલટવાર, છતાં પ્લેઇંગ-11માં જગ્યા પાકી નહીં?