ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન શેફાલી વર્મા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICCએ કાર્યવાહી કરી છે. જિમ્બાબ્વે સામેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેને સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે. આ સાથે તેના શિસ્તસંબંધિત રેકોર્ડમાં 1 ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.આ ઘટના 18 ઓક્ટોબરે રાયપુરમાં રમાયેલી ભારત અને જિમ્બાબ્વે વચ્ચેની બીજી T20 મેચ દરમિયાન બની હતી. ICCના જણાવ્યા અનુસાર, શેફાલીએ ખેલાડીઓ અને સહાયક સ્ટાફ માટે નક્કી કરેલી આચારસંહિતાના લેવલ-1નો ભંગ કર્યો હતો.
કેચ છૂટતાં ગુસ્સામાં જમીન પર ફેંક્યો બોલ
આ ઘટના જિમ્બાબ્વેની બેટિંગ દરમિયાન 12મી ઓવરમાં બની હતી. ભારતીય બોલર શ્રી ચરણીએ બોલ ફેંક્યો હતો. આ દરમિયાન મિડ-ઓફ પર ફિલ્ડિંગ કરી રહેલી શેફાલી વર્મા ચિપો મુગેરી-તિરિપાનોનો કેચ પકડી શકી નહોતી.કેચ છૂટી જતાં શેફાલી નિરાશ થઈ હતી અને ગુસ્સામાં તેણે બોલ જમીન પર ફેંક્યો હતો. ICCએ આ વર્તનને આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન ગણ્યું હતું. તેના પર કલમ 2.2 હેઠળ કાર્યવાહી કરવામાં આવી, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ક્રિકેટનાં સાધનો, કપડાં અથવા મેદાન પરની અન્ય વસ્તુઓના દુરુપયોગ સાથે સંબંધિત છે.શેફાલીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને ICCની મેચ રેફરી જી.એસ. લક્ષ્મી દ્વારા સૂચવવામાં આવેલી સજા પણ સ્વીકારી હતી. તેથી આ મામલે અલગથી ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી નહોતી. છેલ્લા 24 મહિનામાં આ તેનો પ્રથમ નિયમભંગ હોવાનું જણાવાયું છે.
https://x.com/ICC/status/2112439051152482361?s=20
ડિમેરિટ પોઈન્ટ વધશે તો લાગી શકે છે પ્રતિબંધ
ICCના નિયમો મુજબ, જો કોઈ ખેલાડી 24 મહિનાના સમયગાળામાં 4 કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ મેળવે, તો તેને સસ્પેન્શન પોઈન્ટમાં ફેરવવામાં આવી શકે છે. 2 સસ્પેન્શન પોઈન્ટ મળ્યા બાદ ખેલાડીને 1 ટેસ્ટ અથવા 2 વનડે અથવા 2 T20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. કયા પ્રકારનો પ્રતિબંધ લાગુ પડશે તે નિયમો મુજબ નક્કી થાય છે.ડિમેરિટ પોઈન્ટ ખેલાડીના શિસ્તસંબંધિત રેકોર્ડમાં 24 મહિના સુધી રહે છે. ત્યાર બાદ તેને રેકોર્ડમાંથી દૂર કરવામાં આવે છે. જોકે, શેફાલીને હાલમાં સત્તાવાર ચેતવણી અને 1 ડિમેરિટ પોઈન્ટ મળ્યો છે.
શેફાલીની તોફાની ઇનિંગ્સ, ભારતે શ્રેણી જીતી
મેદાન પરની આ ઘટના છતાં શેફાલી વર્માએ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં તેણે માત્ર 25 બોલમાં 55 રન ફટકાર્યા હતા અને ભારતીય ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.પ્રથમ મેચમાં જિમ્બાબ્વે તરફથી પડકાર મળ્યા બાદ ભારતે બીજી મેચમાં દમદાર રમત બતાવી હતી. જિમ્બાબ્વેની ટીમે પહેલાં બેટિંગ કરતાં 8 વિકેટે 102 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે નવમી ઓવર સુધીમાં લક્ષ્ય મેળવી લીધું હતું.આ જીત સાથે ભારતે 5 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ 20 ઓક્ટોબરે રાયપુરમાં રમાવાની છે. શેફાલી માટે હવે આગામી મેચમાં શિસ્ત જાળવીને બેટથી ફરી શાનદાર પ્રદર્શન કરવાની તક રહેશે.
આ પણ વાંચો - Virat Kohli રચશે ઇતિહાસ! ન્યૂઝીલેન્ડમાં કરવું પડશે બસ આટલું કામ