ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં તાજેતરમાં જ મોટો ફેરફાર જોવા મળ્યો છે. હરમનપ્રીત કૌર બાદ ઓપનર સ્મૃતિ મંધાનાને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ નવા યુગની શરૂઆત સાથે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાઇસ-કેપ્ટન બનેલી વિસ્ફોટક ઓપનર શેફાલી વર્માએ પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરના યોગદાનને અમૂલ્ય ગણાવ્યું છે. ઝિમ્બાબ્વે સામેની ઐતિહાસિક શ્રેણીની શરૂઆત પહેલાં રાયપુરમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે શેફાલીએ ટીમની નવી રણનીતિ શેર કરી હતી.
હરમનપ્રીત કૌરનું યોગદાન અમૂલ્ય: શેફાલી વર્મા
ટીમમાં કેપ્ટન્સી બદલાવા છતાં સિનિયર ખેલાડીઓ પ્રત્યેનો આદર અકબંધ રાખતા શેફાલી વર્માએ જણાવ્યું કે,ભારતમાં મહિલા ક્રિકેટને આજના આધુનિક અને લોકપ્રિય સ્તર સુધી પહોંચાડવામાં હરમનપ્રીત દીદીનું યોગદાન ખૂબ મોટું છે. તેમના લાંબા સમયના અનુભવ અને મેદાન પરની આક્રમક રમતથી ભારતીય ટીમને હંમેશા ઘણો ફાયદો થયો છે.ઉલ્લેખનીય છે કે આ નવી લીડરશિપ અંતર્ગત T20 ફોર્મેટમાં શેફાલી વર્માને વાઇસ-કેપ્ટન બનાવાઈ છે,જ્યારે વનડે ફોર્મેટમાં દીપ્તિ શર્મા ઉપ-કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમની ખાસ તૈયારી
ભારતીય મહિલા ટીમ હાલમાં ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે તૈયાર છે. બંને દેશો વચ્ચે પ્રથમ વખત દ્વિપક્ષીય T20 શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીમાં 3 મેચ રમાવાની છે,ત્યારબાદ બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી પણ યોજાવાની છે.શેફાલી વર્માએ જણાવ્યું કે ટીમે તૈયારીઓ અંગે અનેક બેઠકો કરી છે. દરેક ખેલાડીને પોતાની જવાબદારી અને ટીમ માટેની ભૂમિકા સમજાવવામાં આવી છે. ટીમનો હેતુ દરેક મેચમાં પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાનો અને યોગ્ય સંયોજન તૈયાર કરવાનો છે.આ શ્રેણી ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની તક બની શકે છે. બેટિંગ,બોલિંગ અને ફિલ્ડિંગમાં સુધારો કરીને ટીમ આગામી મોટી સ્પર્ધાઓ માટે પોતાની તૈયારી મજબૂત બનાવવા માગે છે.
ટીમમાંથી બહાર થયા બાદ શેફાલીની શાનદાર વાપસી
શેફાલી વર્મા અગાઉ થોડા સમય માટે ભારતીય ટીમમાંથી બહાર રહી હતી. જોકે, તેમણે વનડે વર્લ્ડ કપ દરમિયાન શાનદાર વાપસી કરી હતી. પોતાની સફળતા વિશે વાત કરતાં શેફાલીએ મહેનત અને પોતાની નબળાઈઓ પર કામ કરવાને મહત્ત્વ આપ્યું હતું.તેમણે જણાવ્યું કે ટીમની બહાર રહ્યા દરમિયાન તેમણે પોતાની રમત સુધારવા માટે મહેનત કરી હતી. આ સાથે ફિટનેસ પર પણ ખાસ ધ્યાન આપ્યું હતું. હવે આ તૈયારીનો લાભ તેમને મેદાન પર મળી રહ્યો છે.
https://x.com/ICC/status/2110900021654925687?s=20
બોલિંગ માટે પણ લાંબા સમયથી કરી રહી છે તૈયારી
શેફાલીએ પોતાની બોલિંગ વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે તે 2021થી હરિયાણા માટે બોલિંગ કરી રહી છે. તેથી બોલિંગ તેમના માટે કોઈ નવી બાબત નથી.તેમણે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે બોલિંગ કરવાની માનસિક તૈયારી કરી છે. ટીમની જરૂરિયાત મુજબ બેટિંગની સાથે બોલિંગમાં પણ યોગદાન આપવાની તેમની તૈયારી ભારતીય ટીમ માટે ઉપયોગી બની શકે છે.હવે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં શેફાલીનું પ્રદર્શન કેવું રહે છે અને ભારતીય ટીમ પોતાની નવી રણનીતિને મેદાન પર કેટલી સફળતાથી અમલમાં મૂકે છે તેના પર ચાહકોની નજર રહેશે.
આ પણ વાંચો - Smriti Mandhana પાસે વિશ્વની પ્રથમ ખેલાડી બનવાની તક, હવે માત્ર આટલા રન દૂર