વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ભારત સામેની ત્રીજી વનડેમાં એવી શાનદાર ઇનિંગ રમી કે તેમના નામે અનેક મોટા રેકોર્ડ નોંધાઈ ગયા. ન્યૂ ચંદીગઢમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતના 352 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કરીને 5 વિકેટે જીત મેળવી. આ જીતમાં શાઈ હોપની અણનમ 162 રનની ઇનિંગ સૌથી મહત્વની રહી.હોપની આ ઇનિંગ માત્ર ટીમને જીત અપાવવા પૂરતી મર્યાદિત રહી નહોતી. તેમણે ભારત સામે વનડેમાં રન ચેઝ દરમિયાન સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગનો 17 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો.

શાઈ હોપે તોડ્યો તિલકરત્ને દિલશાનનો રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝને ત્રીજી વનડેમાં ભારતે 352 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો.શાઈ હોપ ઓપનિંગ કરવા માટે જોન કેમ્પબેલ સાથે મેદાન પર આવ્યા હતા. કેમ્પબેલ માત્ર 10 રન બનાવીને આઉટ થયા બાદ હોપને આમિર જાંગુનો સાથ મળ્યો.બંને વચ્ચે બીજા વિકેટ માટે 109 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ. જાંગુ આઉટ થયા બાદ પણ હોપે એક છેડો સંભાળી રાખ્યો અને રન બનાવવાની ગતિ જાળવી રાખી.આખરે વેસ્ટ ઈન્ડિઝે 48.2 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો.આ દરમિયાન શાઈ હોપે અણનમ 162 રન બનાવ્યા અને ભારત સામે વનડે રન ચેઝમાં સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.આ પહેલાં આ રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ બેટર તિલકરત્ને દિલશાનના નામે હતો.દિલશાને 2009માં રાજકોટમાં ભારત સામે રન ચેઝ દરમિયાન 160 રનની ઇનિંગ રમી હતી. હવે 17 વર્ષ બાદ હોપે 162 રન બનાવીને દિલશાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

કેપ્ટન અને વિકેટકીપર તરીકે પણ મોટો રેકોર્ડ

શાઈ હોપે આ મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. વનડેમાં કેપ્ટન અને વિકેટકીપર તરીકે રન ચેઝ દરમિયાન સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ રમવાનો રેકોર્ડ પણ હવે તેમના નામે થઈ ગયો છે.આ પહેલાં આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાનના નામે હતો. રિઝવાને રન ચેઝ દરમિયાન 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. હવે હોપે 162 રનની ઇનિંગ સાથે આ રેકોર્ડમાં પણ પોતાનું નામ સૌથી આગળ કરી દીધું છે

Shai Hope Record

એક જ મેચમાં બંને વિકેટકીપરની સદી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચમાં વધુ એક રસપ્રદ રેકોર્ડ બન્યો. બંને ટીમોના વિકેટકીપર બેટર્સે સદી ફટકારી.ભારત તરફથી કેએલ રાહુલે શાનદાર 129 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર અને કેપ્ટન શાઈ હોપે 162 રન બનાવ્યા હતા.વનડે ક્રિકેટના ઇતિહાસમાં એક જ મેચમાં બંને ટીમોના વિકેટકીપર બેટર્સે સદી ફટકારી હોય તેવો આ માત્ર 8મો પ્રસંગ હોવાનું જણાવવામાં આવે છે.

વેસ્ટ ઈન્ડિઝનો ઐતિહાસિક રન ચેઝ

ભારતે પ્રથમ બેટિંગ કરીને 351 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે શાઈ હોપની આગેવાનીમાં શાનદાર બેટિંગ કરી અને 10 બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો.હોપે આખી ઇનિંગ દરમિયાન ધીરજ અને આક્રમકતા વચ્ચે શાનદાર સંતુલન જાળવ્યું. તેમની 162 રનની અણનમ ઈનિંગને કારણે વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે માત્ર મેચ જ જીતી નહીં, પરંતુ પોતાના વનડે ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ પણ નોંધાવ્યો.ભારત માટે આ મેચમાં કેએલ રાહુલની 129 રનની ઇનિંગ શાનદાર રહી, પરંતુ હોપની 162 રનની પારી અંતે મેચનું પરિણામ વેસ્ટ ઈન્ડિઝની તરફ લઈ ગઈ.

આ પણ વાંચો - West Indiesની ઐતિહાસિક જીતમાં ધોનીનો મોટો ફાળો? શાઈ હોપે કર્યો સૌથી મોટો ધડાકો!