IPL 2027 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ખેલાડીઓની અદલાબદલીની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સંભવિત ટ્રેડમાં મુંબઈનો હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સ તરફથી રમે અને પંજાબનો અર્શદીપ સિંહ મુંબઈની ટીમમાં જોડાય તેવી વાત છે. આ ચર્ચા વચ્ચે દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એબી ડિવિલિયર્સે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમના મતે આ ટ્રેડ બંને ટીમ માટે ફાયદાકારક બની શકે છે, પરંતુ બંને ખેલાડીઓએ પોતાની રમતનું સ્તર સુધારવું પડશે.  

હાર્દિક પંજાબ માટે કેમ ઉપયોગી?

ડિવિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે હાર્દિક પંડ્યા પંજાબમાં જોડાય તો તે રસપ્રદ રહેશે. તેની નેતૃત્વ કરવાની ક્ષમતા, અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ અને જરૂર પડે ત્યારે બોલિંગ કરવાની ક્ષમતા તેને ઉપયોગી ઓલરાઉન્ડર બનાવે છે. જોકે, ડિવિલિયર્સે હાર્દિકની તાજેતરની ફોર્મ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. IPL 2026માં હાર્દિકે મુંબઈ માટે 10 મેચ રમી હતી. તેમાં તેણે 22.88ની સરેરાશથી 206 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 138.25 રહ્યો હતો. બોલિંગમાં તેણે માત્ર ચાર વિકેટ લીધી હતી અને તેની ઇકોનોમી 11.42 રહી હતી. ડિવિલિયર્સના મતે હાર્દિકે ફરી પોતાની જૂની લય મેળવવી પડશે. તેણે કહ્યું કે પંજાબને તેની પાસેથી જૂની આક્રમક બેટિંગ અને મહત્વની ભાગીદારી તોડવાની ક્ષમતા ધરાવતી બોલિંગની અપેક્ષા રહેશે. 

મુંબઈને અર્શદીપથી શું ફાયદો?

ડિવિલિયર્સે અર્શદીપ સિંહને મુંબઈ માટે ઉપયોગી ગણાવ્યો છે. ખાસ કરીને નવી બોલથી વાનખેડે સ્ટેડિયમમાં અર્શદીપ મોટી ભૂમિકા ભજવી શકે છે. મુંબઈને ડાબા હાથના ઝડપી બોલરની જરૂરિયાત છે અને અર્શદીપ આ ખાલી જગ્યા ભરી શકે છે. ટ્રેન્ટ બોલ્ટની કારકિર્દી હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી હોવાથી અર્શદીપ તેનો વિકલ્પ બની શકે છે. જો બંને સાથે રમે તો મુંબઈને વધુ મજબૂત ઝડપી બોલિંગ આક્રમણ મળી શકે છે. પરંતુ ડિવિલિયર્સે અર્શદીપ માટે એક ચેતવણી પણ આપી છે. તેમના મતે અર્શદીપની ડેથ ઓવરની બોલિંગ અગાઉ જેટલી અસરકારક રહી નથી અને તેના પર કામ કરવાની જરૂર છે. વાનખેડેમાં ડેથ ઓવરોમાં બોલિંગ કરવી સરળ નથી, કારણ કે મેદાનની પરિસ્થિતિ બેટ્સમેનોને ફાયદો આપી શકે છે. જોકે, વાનખેડેમાં અર્શદીપનો વ્યક્તિગત રેકોર્ડ સારો છે. તેણે અહીં રમેલી 9 આઈપીએલ મેચમાં 14.93ની સરેરાશથી 15 વિકેટ લીધી છે. તેની ઇકોનોમી 7.00 રહી છે. 

બંને ટીમ માટે ફાયદાનો સોદો?

મુંબઈને અર્શદીપના રૂપમાં ડાબા હાથનો ઝડપી બોલર મળી શકે છે, જ્યારે પંજાબને હાર્દિકના રૂપમાં અનુભવી ઓલરાઉન્ડર અને નેતૃત્વનો વિકલ્પ મળી શકે છે. જોકે, આ સોદાની સફળતા બંને ખેલાડીઓ પોતાની જૂની લય પાછી મેળવે છે કે નહીં તેના પર નિર્ભર રહેશે. ડિવિલિયર્સની વાતનો સાર પણ એ જ છે કે નામ મોટાં હોવા કરતાં ટીમની જરૂરિયાત પ્રમાણે ખેલાડીઓનો ઉપયોગ વધુ મહત્વનો છે. એક તરફ મુંબઈને બોલિંગ મજબૂત કરવાની તક છે, તો બીજી તરફ પંજાબને બેટિંગ અને ઓલરાઉન્ડ ક્ષમતામાં વધારો કરવાની તક મળી શકે છે.

આ પણ વાંચો: Kavya Maran: અનિરુદ્ધ-કાવ્યાનાં લગ્નમાં VIP મહેમાનોનો જમાવડો, રજનીકાંત-સ્ટાલિન ગ્રીસ જવા રવાના