ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 5 મેચની T20 શ્રેણી 2-2ની બરાબરી પર પૂરી થઈ હતી. શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ બેંગલુરુમાં વરસાદને કારણે રદ થઈ હતી. જોકે, આ શ્રેણીમાં બંને ટીમોના ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે પણ પોતાની બેટિંગ, કેપ્ટનશિપ અને ફિલ્ડિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં તેમને 'ઈમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ' મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રેયસ અય્યરને કેમ મળ્યું ઈમ્પેક્ટ પ્લેયર મેડલ?
વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં શ્રેયસ અય્યરે બેટથી નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે 5 મેચમાં 45.25ની સરેરાશથી કુલ 181 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમના બેટમાંથી એક શાનદાર સદી પણ જોવા મળી હતી.આ સદી તેમની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી હતી.આ પ્રદર્શન સાથે અય્યરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.તે આ શ્રેણીમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ રહ્યા હતા.બેટિંગ ઉપરાંત, અય્યરે કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ફિલ્ડિંગમાં પણ યોગદાન આપ્યું હતું. તેમના આ પ્રદર્શનને કારણે તેમને ટીમના ડ્રેસિંગ રૂમમાં ખાસ સન્માન આપવામાં આવ્યું હતું.
ભારતીય ડ્રેસિંગ રૂમમાં પહેરાવાયું મેડલ
શ્રેણી પૂરી થયા બાદ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ આસિસ્ટન્ટ નુવાન સેનેવિરત્નેએ શ્રેયસ અય્યરને 'ઈમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ'નું મેડલ પહેરાવ્યું હતું.આ સમયે ટીમના અન્ય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે તાળીઓ પાડીને કેપ્ટનનું સન્માન કર્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ પણ આ પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.આ સન્માન શ્રેયસ અય્યર માટે ખાસ રહ્યું હતું, કારણ કે તેમણે કેપ્ટનશિપની જવાબદારી નિભાવવાની સાથે બેટિંગમાં પણ ટીમ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
https://x.com/BCCI/status/2111674654108864616?s=20
હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર રહેશે નજર
વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પૂરી થયા બાદ હવે ભારતીય ટીમનું ધ્યાન ન્યૂઝીલેન્ડ સામેની આગામી શ્રેણી પર રહેશે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે T20 આંતરરાષ્ટ્રીય અને અન્ય ફોર્મેટની મેચો રમાવાની છે.આગામી T20 શ્રેણી 22 ઓક્ટોબરથી શરૂ થવાની છે. શ્રેયસ અય્યર માટે આ પ્રવાસ મહત્ત્વનો રહેશે, કારણ કે તેમની પાસે વિદેશી મેદાન પર ટીમનું નેતૃત્વ કરવાની અને શ્રેણીમાં જીત મેળવવાની તક હશે.વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં અય્યરે બેટિંગમાં જે પ્રદર્શન કર્યું છે, તેનાથી ભારતીય ચાહકોની અપેક્ષાઓ વધી છે. હવે જોવાનું એ રહેશે કે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં તેઓ પોતાની લય જાળવી રાખીને ટીમને સફળતા અપાવી શકે છે કે નહીં.
આ પણ વાંચો - Brendan Taylorએ વનડેમાં રચ્યો ઇતિહાસ,એન્ડી ફ્લાવરનો મોટો રેકોર્ડ તોડી બન્યો નંબર-1