ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં 14 રનથી રોમાંચક જીત મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર ખુશખુશાલ જોવા મળ્યા હતા. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલા આ હાઈ-સ્કોરિંગ મુકાબલામાં ભારતે પહેલા બેટિંગ કરતા 223 રન બનાવ્યા હતા. આ મેચમાં જીત સાથે જ ભારતે 5 મેચની શ્રેણીમાં 2-1ની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે. મેચ પૂરી થયા બાદ અય્યરે ટીમની જીતનો અસલી શ્રેય ભારતીય બોલરોને આપ્યો છે.
ભારે ઝાકળ વચ્ચે પણ બોલરોએ બતાવ્યો દમ
ઇન્દોરમાં રાત્રિના સમયે ઝાકળ એક મોટો પડકાર હતો. ભીના બોલને પકડવો અને યોગ્ય લાઇન-લેન્થ જાળવવી બોલરો માટે મુશ્કેલ હોય છે. આ અંગે વાત કરતા શ્રેયસ ઐયરે જણાવ્યું કે,પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હતી,પરંતુ અમારા બોલરો પૂરા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યા હતા. તેઓ બરાબર જાણતા હતા કે તેમને શું કરવાનું છે. તેમનો આ જ કોન્ફિડન્સ ટીમની જીતનું મુખ્ય કારણ બન્યો છે.
https://x.com/CricketCentrl/status/2109500996150006046?s=20
મેચનો ટર્નિંગ પોઈન્ટ: 3 ઓવરનો એ સ્પેલ!
વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક ઓપનર્સ પાવરપ્લેમાં આક્રમક મૂડમાં હતા. પરંતુ ભારતીય બોલરોએ મેચની 8થી 10 ઓવર વચ્ચે રન ગતિ પર સંપૂર્ણ બ્રેક લગાવી દીધી હતી. આ 3 ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝ માત્ર 17 રન જ બનાવી શક્યું હતું, જેના કારણે કેરેબિયન બેટ્સમેનો પર દબાણ વધ્યું અને ભારતે મેચ પોતાના કબજામાં કરી લીધી.
બેટ્સમેનોના પણ કર્યા વખાણ
કેપ્ટન ઐયરે ઓપનર અભિષેક શર્મા (69 રન) અને ઈશાન કિશન (37 રન) ની 108 રનની તોફાની ઓપનિંગ ભાગીદારીને બિરદાવી હતી. મધ્યમ ક્રમમાં અચાનક 12 બોલમાં 3 વિકેટો ગુમાવ્યા બાદ પણ ટીમે હિંમત ન હારી અને તિલક વર્મા (28) તથા નીતિશ કુમાર રેડ્ડી (21) ની મદદથી 223 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. અય્યરે વેસ્ટ ઇન્ડિઝને એક ઘાતક ટીમ ગણાવીને ચેતવણી પણ આપી કે આગામી મેચોમાં પણ ભારતે આ જ લય જાળવી રાખવી પડશે.
આ પણ વાંચો - West Indiesએ રચ્યો ઇતિહાસ, આવું કરનાર વર્લ્ડની પ્રથમ ટીમ બની