ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન શ્રેયસ ઐયરે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં મેદાન પર પગ મૂકતાની સાથે જ એક એવો અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જે આજ સુધી કોઈ ભારતીય કેપ્ટન કરી શક્યો નથી. શ્રેયસે કેપ્ટન તરીકે પોતાની પ્રથમ 25 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વખત ટોસ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ બાબતમાં તેણે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ડેરેન સેમી અને પાકિસ્તાનના સલમાન અલી આગાને પણ પાછળ છોડી દીધા છે
સેમી અને આગાનો રેકોર્ડ ધ્વસ્ત
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ 25 T20 મેચોમાં સૌથી વધુ વખત ટોસ જીતવાનો રેકોર્ડ અત્યાર સુધી ડેરેન સેમી અને સલમાન અલી આગાના નામે સંયુક્ત રીતે હતો. આ બંને ખેલાડીઓએ કેપ્ટન તરીકે પોતાની શરૂઆતની 25 મેચોમાં 17-17 વખત ટોસ જીત્યો હતો. પરંતુ કિસ્મતના ધની ગણાતા શ્રેયસ ઐયરે ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20માં ટોસ જીતીને પોતાની પ્રથમ 25 મેચોમાં રેકોર્ડ 19મી વખત ટોસ જીતીને આ બંને દિગ્ગજોને યાદીમાં બીજા સ્થાને ધકેલી દીધા છે.
શરૂઆતી આંચકા બાદ શ્રેયસનું શાનદાર કમબેક
શ્રેયસ ઐયર માટે કેપ્ટનશીપના શરૂઆતના દિવસો કાંટાની સેજ સમાન રહ્યા હતા. કેપ્ટન બન્યા બાદ પ્રથમ 7 મેચોમાંથી ભારતને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. આયર્લેન્ડ સામે 2 અને ઇંગ્લેન્ડ સામે 4 મેચ ગુમાવ્યા બાદ શ્રેયસની કેપ્ટનશીપ પર ગંભીર સવાલો ઉઠ્યા હતા.પરંતુ ત્યારબાદ શ્રેયસે શાનદાર વાપસી કરી છે. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચ પહેલા તેના નેતૃત્વમાં ભારતે 24 મેચ રમી હતી, જેમાંથી 14માં જીત અને 8માં હાર મળી છે, જ્યારે 2 મેચનું પરિણામ આવી શક્યું નહોતું. કેપ્ટન તરીકે તેનો જીતનો દર 63.63% છે જે ઘણો પ્રભાવશાળી ગણાય.
હવે વનડે ટીમની પણ કમાન સંભાળશે ઐયર
શ્રેયસ ઐયર માટે આગામી દિવસો વધુ રોમાંચક બનવાના છે. ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આગામી વનડે શ્રેણીની છેલ્લી બે મેચોમાં તેને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ વનડે મેચોમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર સુપરસ્ટાર્સ પણ ટીમનો હિસ્સો હશે, જ્યારે શુભમન ગિલ ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ માટે વ્યસ્ત હોવાથી આરામ પર રહેશે.T20માં ટોસનો નવો ઇતિહાસ રચ્યા બાદ, હવે સિનિયર ખેલાડીઓની હાજરીમાં વનડે શ્રેણી જીતીને કેપ્ટન તરીકે પોતાની જાતને સાબિત કરવાનો શ્રેયસ ઐયર પાસે સુવર્ણ અવસર રહેશે
આ પણ વાંચો - Vaibhav Sooryavanshiને તોફાની બેટિંગનું આ ઇનામ મળ્યું? ચોથી T20માં ટીમમાંથી OUT!