ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 22 રને રોમાંચક જીત મેળવી હતી. આ સાથે જ ભારતે 5 મેચની વનડે સિરીઝ 3-1થી પોતાના નામે કરી હતી. જોકે, આ મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રેયસ ઐયરે પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીની સલાહને અવગણી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ ક્રિકેટ ચાહકો શ્રેયસ ઐયરના વર્તન પર સવાલ ઉઠાવી રહ્યા છે.
શું શ્રેયસ ઐયરે વિરાટ કોહલીની સલાહ અવગણી?
આ સમગ્ર ઘટના ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન બની હતી.જ્યારે ભારતીય ટીમ મેદાન પર ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે કેપ્ટન શ્રેયસ ઐયર વિકેટકીપર ઈશાન કિશન સાથે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી તેમની પાસે આવ્યા હતા અને મેચની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ અંગે સૂચન કર્યું હતું.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને અહેવાલો અનુસાર, વિરાટ કોહલીએ શ્રેયસ ઐયરને ઝડપી બોલર મોહમ્મદ સિરાજને બોલિંગ આપવા અંગે સલાહ આપી હતી.જોકે, વીડિયોમાં શ્રેયસ ઐયર માથું હલાવીને આગળ વધતા જોવા મળે છે. તેમણે વિરાટ સાથે ઊભા રહીને વધુ ચર્ચા કરી નહોતી. ત્યારબાદ શ્રેયસે સિરાજને બદલે આકિબ નબી પાસે બોલિંગ કરાવવાનો નિર્ણય લીધો હતો.
https://x.com/KashifNdmCric/status/2121916502794223893?a=rkEqXeFVdTz4QkYfqDM&s=20
સોશિયલ મીડિયા પર ભડક્યા ક્રિકેટ ચાહકો
શ્રેયસ ઐયરનો આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.કેટલાક ચાહકોનું માનવું છે કે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે.આવી સ્થિતિમાં તેમની સલાહને ગંભીરતાથી સાંભળવી જોઈએ.કેટલાક ચાહકોએ શ્રેયસ ઐયરના વર્તનને કેપ્ટનશિપના અભિમાન સાથે પણ જોડ્યું છે.જોકે,માત્ર આ વીડિયો પરથી શ્રેયસ ઐયરે જાણીજોઈને વિરાટની સલાહ અવગણી હતી એવું ચોક્કસ કહી શકાય નહીં. મેદાન પર કેપ્ટનનો અંતિમ નિર્ણય તેની પોતાની રણનીતિ અને પરિસ્થિતિ પર આધારિત હોય છે.
ભારતે 22 રને જીતી અંતિમ વનડે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બર 2026ના રોજ માઉન્ટ મૌનગાનુઈના બે ઓવલ મેદાન પર પાંચમી અને અંતિમ વનડે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી, પરંતુ બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા.ભારતીય ટીમ માત્ર 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સ્કોર બાદ ન્યૂઝીલેન્ડની ટીમ જીતની દાવેદાર માનવામાં આવતી હતી. જોકે, ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરી હતી.ભારતીય બોલરોએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને મોટો સ્કોર બનાવવાની તક આપી નહોતી અને સમગ્ર ટીમને 187 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ રીતે ભારતે 22 રને જીત મેળવી હતી.
ભારતે 3-1થી જીતી વનડે સિરીઝ
આ જીત સાથે ભારતીય ટીમે 5 મેચની વનડે સિરીઝ 3-1થી પોતાના નામે કરી હતી. સિરીઝમાં ભારતીય ખેલાડીઓએ અલગ-અલગ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.જોકે, અંતિમ મેચમાં ભારતની જીત કરતાં શ્રેયસ ઐયર અને વિરાટ કોહલી વચ્ચેની કથિત વાતચીતનો વીડિયો વધુ ચર્ચામાં રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આ વીડિયો અંગે શ્રેયસ ઐયર કે ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં
આ પણ વાંચો - Rohit Sharma-Virat Kohli ક્યારે રમશે આગામી મેચ? ફેન્સ માટે આવ્યા મોટા સમાચાર!