શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. મુલ્લાનપુરમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું અને પહેલા જ દિવસે સદી ફટકારી. તેને પહેલા દિવસની રમતના અંત સુધી 103 રન બનાવ્યા અને અણનમ રહ્યો.


આ રીતે શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી ઓછા સમયમાં 1000 રનનો આંકડો પૂર્ણ કરનાર બેટ્સમેન બન્યો. એટલું જ નહીં શુભમન ગિલ સુનીલ ગાવસ્કર પછી બીજા ભારતીય ખેલાડી બન્યો જેને ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી ઓછી ઈનિંગમાં 1000 રન પૂર્ણ કર્યા.

શુભમન ગિલની ટેસ્ટ કેપ્ટનશીપમાં બેટિંગમાં શાનદાર એવરેજ

શુભમન ગિલ એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે મોટા સ્કોર પર નજર રાખી રહ્યો હતો, પરંતુ તે પહેલા સેશનમાં 126 રન બનાવીને આઉટ થઈ ગયો. શુભમન ગિલના કેપ્ટન તરીકે હવે 1076 રન છે અને તે શાનદાર એવરેજ ધરાવે છે.

શુભમન ગિલની ટેસ્ટ કેપ્ટનશીપ એવરેજ 82.8 છે, જે ઘણા મહાન ખેલાડીઓ કરતા વધારે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શુભમન ગિલ 1000+ રન સાથે ટેસ્ટમાં સૌથી વધુ બેટિંગ એવરેજ ધરાવતા કેપ્ટનના લિસ્ટમાં બીજા નંબરે છે. તે ફક્ત ડોન બ્રેડમેનથી પાછળ છે.

1000+ ટેસ્ટ રન સાથે સૌથી વધુ બેટિંગ એવરેજ ધરાવતા કેપ્ટન

101.5 - ડોન બ્રેડમેન (3147 રન)

82.8 - શુભમન ગિલ (1076 રન)

69.6 - કુમાર સંગાકારા (1601 રન)

શુભમન ગિલ કેપ્ટનશીપ હેઠળ મચાવી રહ્યો છે ધૂમ

તમને જણાવી દઈએ કે કેપ્ટન બનતા પહેલા શુભમન ગિલે પોતાના ટેસ્ટ કરિયરમાં 59 ઈનિંગમાં 35.06 ની એવરેજથી 1893 રન બનાવ્યા હતા. કેપ્ટન બન્યા પછી શુભમન ગિલના ફોર્મમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, અને ઈંગ્લેન્ડ પ્રવાસ પછી તેને કેપ્ટન તરીકે 9 ટેસ્ટમાં 6 સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેને ફક્ત એક અડધી સદી ફટકારી છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ WTCનો ભાગ ન હોવા છતાં શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ તોડવાનું ચાલુ રાખે છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન બનાવનાર 11મો કેપ્ટન છે. શુભમન ગિલે 41 ટેસ્ટ મેચોમાં 76 ઈનિંગમાં 44.31 ની એવરેજથી 2969 રન બનાવ્યા છે. તેને અત્યાર સુધીમાં 11 સદી અને 8 અડધી સદી ફટકારી છે. તે આ દરમિયાન 7 વખત અણનમ રહ્યો છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: