ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચની વનડે શ્રેણીમાં શાનદાર બેટિંગ કરીને વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે.ગિલે આ સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાની સાથે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો.આ સાથે તેમણે વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝ બનવાના મામલે એમએસ ધોની અને સૌરવ ગાંગુલીની બરાબરી કરી છે.વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં ગિલે કુલ 334 રન બનાવ્યા અને તેમની બેટિંગ સરેરાશ 167 રહી.તેમણે શ્રેણીમાં 2 સદી ફટકારી અને સમગ્ર શ્રેણી દરમિયાન સતત શાનદાર બેટિંગ કરી.આ પ્રદર્શનના કારણે તેમને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા.

ધોની-ગાંગુલીની બરાબરી

ભારત માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.સચિને પોતાના વનડે કરિયરમાં કુલ 15 વખત આ એવોર્ડ જીત્યો હતો.આ યાદીમાં વિરાટ કોહલી 11 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ સાથે બીજા સ્થાને છે. હવે શુભમન ગિલ 7 એવોર્ડ સાથે એમએસ ધોની, સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહની બરાબરી પર પહોંચી ગયા છે.

India’s Player of the Series

વેસ્ટ ઈન્ડિઝ સામે ગિલનો ધમાકો

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની પ્રથમ મેચમાં શુભમન ગિલે 110 રનની શાનદાર સદી ફટકારી હતી.ત્યારબાદ બીજી વનડેમાં તેમણે પોતાની બેટિંગનું વધુ એક મોટું ઉદાહરણ રજૂ કર્યું અને અણનમ 223 રનની ઐતિહાસિક ઇનિંગ રમી.આ ગિલની વનડે ક્રિકેટમાં બીજી બેવડી સદી હતી. એકથી વધુ બેવડી સદી ફટકારનારા બેટર્સની યાદીમાં પણ તેમનું નામ સામેલ થયું છે.ગિલની આ શાનદાર બેટિંગના કારણે ભારતે સીરિઝની શરૂઆતની બંને મેચમાં મજબૂત પ્રદર્શન કર્યું અને અંતે 3 મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી.

2026માં સૌથી વધુ વનડે રન

શુભમન ગિલનું વર્ષ 2026માં પણ શાનદાર રહ્યું છે. તે આ વર્ષે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટર્સમાં આગળ છે.2026માં અત્યાર સુધી ગિલે 11 વનડે ઇનિંગ્સમાં કુલ 895 રન બનાવ્યા છે.આ દરમિયાન તેમના બેટમાંથી 3 સદી અને 5 અડધી સદી આવી છે.ભારતીય ટીમને 2027ના વનડે વિશ્વ કપ માટે તૈયાર કરવાની જવાબદારી પણ ગિલની આસપાસ કેન્દ્રિત થઈ રહી છે. કેપ્ટન તરીકે તેમની બેટિંગ ફોર્મ ટીમ માટે મહત્વપૂર્ણ છે.વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં મળેલા પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડે તેમની શાનદાર ફોર્મને વધુ એક વખત સાબિત કરી છે.માત્ર 27 વર્ષની આસપાસની ઉંમરે ગિલે ભારતના દિગ્ગજ બેટર્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવવાનું શરૂ કરી દીધું છે. હવે તેમની નજર સચિન અને વિરાટ જેવા દિગ્ગજોના મોટા રેકોર્ડ તરફ રહેશે.

આ પણ વાંચો - Shubman Gill : રોહિત-વિરાટની ટીકા કરનારાઓને શુભમન ગિલે જાહેરમાં લીધા આડે હાથ