ભારતીય ટેસ્ટ અને ODI ટીમના કેપ્ટન શુભમન ગિલને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં પોતાની બેટિંગની લય મેળવવા માટે રણજી ટ્રોફીમાં રમવાની તક મળી શકે છે અહેવાલો અનુસાર, છત્તીસગઢ સામેની બીજી મેચમાં તે મેદાનમાં ઉતરી શકે છે. આ મેચ 18થી 21 ઓક્ટોબર દરમિયાન રમાવાની છે. જોકે, ગિલ પ્રથમ મેચમાંથી બહાર રહેવાનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
આસામ સામે પંજાબની કમાન ઉદય સહારન સંભાળશે
પંજાબ અને આસામ વચ્ચેની રણજી ટ્રોફીની પ્રથમ મેચ ન્યૂ ચંડીગઢમાં રમાશે. ગિલ માટે રણજી ટ્રોફીની આ સિઝન ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં મેચ પ્રેક્ટિસ મેળવવાની તક બની શકે છે. જોકે, તે બીજી મેચમાં રમશે કે નહીં તેની અંતિમ પુષ્ટિ હજુ થઈ નથી.
https://x.com/cricsam02/status/2108926435314557393?s=20
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં મેચ પ્રેક્ટિસ જરૂરી
શુભમન ગિલ હાલમાં ઇન્ડિયા A ટીમનો ભાગ નથી. તેથી રણજી ટ્રોફીમાં રમવાથી તેને સ્પર્ધાત્મક ક્રિકેટમાં સમય વિતાવવાની અને પોતાની બેટિંગ ચકાસવાની તક મળી શકે છે.રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઉપલબ્ધ ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને રણજી ટ્રોફીની ઓછામાં ઓછી એક મેચ રમવા સૂચના આપી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ જ કારણસર રવિન્દ્ર જાડેજા સૌરાષ્ટ્ર, કેએલ રાહુલ કર્ણાટક અને આકાશ દીપ બંગાળ તરફથી રમી રહ્યા છે.જો ગિલ છત્તીસગઢ સામેની બીજી મેચમાં રમશે, તો ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં તેને પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે.
22 ઓક્ટોબરથી ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત
ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી સાથે શરૂ થવાનો છે. આ પ્રવાસમાં 5 મેચની T20 શ્રેણી, 5 મેચની ODI શ્રેણી અને 2 ટેસ્ટ મેચ રમાવાની છે.ODI શ્રેણી 4 નવેમ્બરથી શરૂ થવાની છે, જ્યારે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 નવેમ્બરથી રમાશે. શુભમન ગિલ ODI અને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે.આવા સંજોગોમાં રણજી ટ્રોફીમાં ગિલની ભાગીદારી પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય કેપ્ટન છત્તીસગઢ સામેની બીજી મેચમાં રમવા ઉતરે છે કે નહીં.
આ પણ વાંચો - Nathan Lyonએ પ્રથમ ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ,આ મામલે પ્રથમ ખેલાડી બન્યો