ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલે આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં પોતાની બેટિંગને વધુ ધારદાર બનાવવા માટે એક મોટો અને આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, ગિલ ન્યૂઝીલેન્ડના કપરા પ્રવાસમાં પોતાની સાથે 4 થી 5 સ્પેશિયલ નેટ બોલરોને લઈ જવાની યોજના બનાવી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે આ બોલરોના પ્રવાસ, રહેવા-જમવા અને અન્ય તમામ પ્રકારના ખર્ચની જવાબદારી કેપ્ટન ગિલ પોતે પોતાના ખિસ્સામાંથી ઉઠાવશે. ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા માટેની ગિલની આ ખાસ તૈયારી હાલમાં ક્રિકેટ જગતમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

ટેસ્ટની ખાસ તૈયારી માટે વહેલા ન્યૂઝીલેન્ડ રવાના થશે

ભારતીય ટીમના આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં 5 T20 આંતરરાષ્ટ્રીય, 5 વનડે અને 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે. આ પ્રવાસમાં ટેસ્ટ શ્રેણી ગિલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ન્યૂઝીલેન્ડની પિચો પર બોલ ઘણો સ્વિંગ થાય છે, તેથી ત્યાંની પરિસ્થિતિમાં પોતાની ટેકનિકને વધુ મજબૂત કરવા ગિલ વધારાનો અભ્યાસ કરવા માગે છે.BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, શુભમન ગિલ 23 અથવા 24 ઓક્ટોબરે જ ન્યૂઝીલેન્ડ જવા રવાના થઈ શકે છે. સામાન્ય રીતે વિદેશ પ્રવાસ દરમિયાન ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસ માટે BCCI નેટ બોલરોની વ્યવસ્થા કરે છે, પરંતુ ગિલ કોઈપણ કસર છોડવા માગતા ન હોવાથી અલગથી બોલરોને સાથે લઈ જઈ રહ્યા છે. વહેલા પહોંચીને રેડ બોલ થી વધુને વધુ પ્રેક્ટિસ કરવાથી તેમને ત્યાંના હવામાન અને પિચને અનુકૂળ થવામાં મોટી મદદ મળશે.

ભારત A ની મેચોમાંથી બ્રેક, સીધા નેટ્સમાં પરસેવો પાડશે

વ્યસ્ત ક્રિકેટ શિડ્યુઅલ અને પોતાની અંગત તૈયારીના આયોજનને કારણે શુભમન ગિલ ભારત A અને ન્યૂઝીલેન્ડ A વચ્ચે રમાનારી ટેસ્ટ મેચોમાં ભાગ નહીં લે. વનડે શ્રેણી પહેલાં નેટ બોલરો સામે કલાકો સુધી બેટિંગ કરીને તેઓ પોતાની ધીરજ, ફૂટવર્ક અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં લાંબી ઇનિંગ્સ રમવાની ક્ષમતાને વધુ બહેતર બનાવવાનો પ્રયાસ કરશે. જોકે, પોતાના ખર્ચે બોલરો લઈ જવાના ગિલના આ નિર્ણય અંગે હજુ સુધી BCCI તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ન્યૂઝીલેન્ડ ઉડતા પહેલાં રણજી ટ્રોફીમાં અગ્નિપરીક્ષા

વિદેશ પ્રવાસે જતાં પહેલાં શુભમન ગિલ ઘરેલુ ક્રિકેટમાં પણ રેડ બોલ સામે પોતાની ફિટનેસ અને ફોર્મની કસોટી કરશે. રણજી ટ્રોફી 2026-27ની સિઝનની પ્રથમ મેચમાં તેઓ અંગત કારણોસર પંજાબની ટીમ તરફથી રમી શક્યા નહોતા. પરંતુ 18 ઓક્ટોબરથી મુલ્લાંપુરમાં છત્તીસગઢ સામે શરૂ થઈ રહેલી પંજાબની બીજી રણજી ટ્રોફી મેચમાં તેઓ વાપસી કરવા માટે તૈયાર છે. આ મેચ ગિલને ટેસ્ટ શ્રેણી પહેલાં શાનદાર મેચ પ્રેક્ટિસ પૂરી પાડશે.ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન તરીકે શુભમન ગિલ પર માત્ર રન બનાવવાનું જ નહીં, પરંતુ ટીમનું સફળ નેતૃત્વ કરવાનું પણ મોટું દબાણ રહેશે. પોતાના ખર્ચે નેટ બોલરો લઈ જવાનો તેમનો આ અભિગમ ક્રિકેટ પ્રત્યેનું તેમનું સમર્પણ દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે રણજી ટ્રોફી અને ન્યૂઝીલેન્ડની આ ખાસ સ્પેસિયલ ટ્રેનિંગનો તેમને આગામી સીરીઝમાં કેટલો ફાયદો થાય છે

આ પણ વાંચો - IND vs ZIM: દીપ્તિ શર્મા અને નિકી પ્રસાદે મચાવી ધૂમ, તૂટ્યો 10 વર્ષનો રેકોર્ડ