ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સોરવ ગાંગુલીને ફિલ્મ ‘દૂસરા’ની રિલીઝ રોકવાના મામલે દિલ્હી હાઈકોર્ટમાંથી હાલ રાહત મળી નથી.કોર્ટે રિલીઝ થનારી ફિલ્મ પર રોક લગાવવાની તેમની માગણી ફગાવી દીધી હતી. આ નિર્ણયથી ફિલ્મના નિર્માતાઓને મોટી રાહત મળી છે અને હાલમાં ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો થયો છે.જોકે,કોર્ટે આ નિર્ણયમાં સોરવ ગાંગુલીના પર્સનાલિટી રાઇટ્સ સંબંધિત દાવાઓને ખોટા ગણાવ્યા નથી. હાલ માત્ર ફિલ્મની રિલીઝ પર વચગાળાની રોક લગાવવાની માગણી સ્વીકારવામાં આવી નથી. આ મામલે કાનૂની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.ચાલો જાણીએ કે આખરે મામલો શું છે?
આખરે સોરવ ગાંગુલી કોર્ટમાં કેમ પહોંચ્યા?
સોરવ ગાંગુલી અને પ્રોડક્શન હાઉસ લવ ફિલ્મ્સ એલએલપીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમની દલીલ હતી કે ફિલ્મ ‘દૂસરા’ના પ્રચારમાં ગાંગુલીની ઓળખ, લોકપ્રિયતા અને ક્રિકેટ કારકિર્દી સાથે જોડાયેલી કેટલીક ઐતિહાસિક ક્ષણોનો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ વિવાદનું મુખ્ય કારણ વર્ષ 2002માં ઇંગ્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક નેટવેસ્ટ શ્રેણીની જીત છે. આ મેચમાં ભારતની જીત બાદ લોર્ડ્સના મેદાનની બાલ્કનીમાં સોરવ ગાંગુલી શર્ટ ઉતારીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ક્રિકેટના ઇતિહાસની આ યાદગાર ક્ષણ આજે પણ ચાહકોના મનમાં તાજી છે.ગાંગુલી તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તેમની ઓળખ અને ક્રિકેટ કારકિર્દીની સિદ્ધિઓનો ઉપયોગ તેમના વ્યાવસાયિક અને વ્યાપારી અધિકારોને અસર કરી શકે છે.
ગાંગુલીની બાયોપિકના અધિકારોનો પણ વિવાદ
આ મામલે લવ ફિલ્મ્સની ભૂમિકા પણ મહત્ત્વની છે. પ્રોડક્શન હાઉસ સોરવ ગાંગુલીના જીવન પર આધારિત સત્તાવાર બાયોપિક ‘દાદા – ધ સોરવ ગાંગુલી સ્ટોરી’ પર કામ કરી રહ્યું છે.અરજી અનુસાર, 5 ઓગસ્ટ 2021ના રોજ થયેલા કરાર હેઠળ ગાંગુલીના જીવન અને ક્રિકેટ કારકિર્દી પર ફિલ્મ બનાવવાના વિશિષ્ટ અધિકારો પ્રોડક્શન હાઉસને આપવામાં આવ્યા હતા.ગાંગુલી અને લવ ફિલ્મ્સનું કહેવું છે કે જો ‘દૂસરા’માં તેમના જીવન અને ક્રિકેટ કારકિર્દીની વિશિષ્ટ ક્ષણોનો ઉપયોગ કરવામાં આવે, તો તેની અસર તેમની સત્તાવાર બાયોપિકના વ્યવસાય પર પડી શકે છે.
https://x.com/sandeshnews/status/2113520141615108139?s=20
કોર્ટે શું કહ્યું?
સુનાવણી દરમિયાન જસ્ટિસ દિનેશ ભટ્ટની પીઠે પ્રાથમિક રીતે નોંધ્યું હતું કે હાલની સ્થિતિમાં ‘બેલેન્સ ઑફ કન્વિનિયન્સ’ફિલ્મના નિર્માતાઓની તરફેણમાં છે. તેનો અર્થ એ છે કે આ તબક્કે ફિલ્મની રિલીઝ અટકાવવાથી નિર્માતાઓને વધુ નુકસાન થવાની શક્યતા જણાય છે.ફિલ્મની રિલીઝની તારીખ નજીક હોવાથી અને સિનેમાઘરોમાં બુકિંગ સહિતની તૈયારીઓ થઈ ચૂકી હોવાથી કોર્ટે વચગાળાની રોક લગાવવાની માગણી સ્વીકારી નહોતી.જોકે,આ નિર્ણયને ગાંગુલીના તમામ દાવાઓ પર અંતિમ ચુકાદો ગણવો યોગ્ય નથી. આ મામલે આગળની સુનાવણીમાં વધુ ચર્ચા થઈ શકે છે.
શું છે ફિલ્મ ‘દૂસરા’ની વાર્તા?
દિગ્દર્શક અભિનય દેવની ફિલ્મ ‘દૂસરા: ઇન્ડિયાઝ અધર ફ્રીડમ સ્ટ્રગલ’ની વાર્તા વર્ષ 2002ની નેટવેસ્ટ શ્રેણીમાં ભારતની ઐતિહાસિક જીતની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.ફિલ્મમાં ક્રિકેટની આ યાદગાર ઘટનાને એક યુવતીના જીવન સાથે જોડવામાં આવી છે. તેની વાર્તા વ્યક્તિગત સ્વતંત્રતા, પોતાના નિર્ણયો જાતે લેવા અને સમાજે બનાવેલી મર્યાદાઓમાંથી બહાર નીકળવાના પ્રયાસો પર આધારિત છે.હાલ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો થયો છે. હવે આ વિવાદમાં આગળ કોર્ટ શું નિર્ણય લે છે અને ફિલ્મને દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો - Ishan Kishan બહાર થતાં વૈભવની લાગી લોટરી! બીજા T20માં મળશે તક?