Indian ટીમે ગયા વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશના પ્રવાસે જવાનું હતું, પરંતુ રાજકીય તણાવના કારણે આ સિરીઝ સ્થગિત કરવામાં આવી હતી. લાંબો સમય બાદ પણ આ સિરીઝ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેને લઈને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ તમીમ ઇકબાલે આ મામલે નવું નિવેદન આપ્યું છે.

BCCIએ અફઘાનિસ્તાન સામે ત્રણ T20 મેચની સિરીઝની કરી જાહેરાત 

માનવામાં આવી રહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વ્હાઇટ બોલ સિરીઝ સપ્ટેમ્બર મહિનામાં રમાઈ શકે છે, પરંતુ BCCIએ તાજેતરમાં અફઘાનિસ્તાન સામે ત્રણ T20 મેચની સિરીઝની જાહેરાત કરી છે. આ સિરીઝ સપ્ટેમ્બરમાં રમાશે. ટીમ ઈન્ડિયાના શેડ્યૂલ પર નજર કરીએ તો ઓગસ્ટથી ડિસેમ્બર 2026 સુધી ભારતીય ટીમે અનેક મેચ રમવાની છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમે 3 વનડે અને 3 T20 મેચ રમવાની હતી, પરંતુ આ પ્રવાસને ઓગસ્ટ 2025થી સપ્ટેમ્બર 2026 સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો. એક તરફ BCCIએ આ પ્રવાસ અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ કર્યું નથી, ત્યારે BCB પ્રમુખ તમીમ ઇકબાલનું કહેવું છે કે સિરીઝને લઈને બંને બોર્ડ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

ભારત-બાંગ્લાદેશ સિરીઝ પર નવું અપડેટ

ઢાકામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં BCB પ્રમુખ તમીમ ઇકબાલે કહ્યું,"સિરીઝને લઈને બંને દેશોના બોર્ડ વચ્ચે વાતચીત ચાલી રહી છે. તારીખોમાં ફેરફાર શક્ય છે" ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સિરીઝને લઈને અનિશ્ચિતતા એટલા માટે પણ વધી ગઈ છે, કારણ કે BCBએ તાજેતરમાં ગેમ ડેવલપમેન્ટ ટ્રોફીની જાહેરાત કરી હતી. આ સ્પર્ધાનું આયોજન 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી થવાનું છે. આ તારીખો ભારત-બાંગ્લાદેશ સિરીઝના સંભવિત શેડ્યૂલ સાથે ટકરાઈ શકે છે. તેથી આંતરરાષ્ટ્રીય સિરીઝ અંગે હજુ પણ સવાલો યથાવત છે.

સિરીઝ નક્કી થશે તો ટૂર્નામેન્ટનું સ્થળ બદલાશે

તમીમ ઇકબાલે સ્પષ્ટ કર્યું કે આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ મીરપુરમાં રમાવાની છે, પરંતુ જો ભારત સાથેની સિરીઝ પર મહોર લાગી જાય તો આ સ્પર્ધાને મીરપુરથી બસુંધરા શિફ્ટ કરવામાં આવશે. BCCIએ અત્યાર સુધી આ પ્રવાસ માટે ન તો સંમતિ આપી છે કે ન તો ઇનકાર કર્યો છે. તેથી BCB આશાવાદી બનીને સિરીઝને લઈને પ્રયાસો કરી રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હાલમાં ફેરફારના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. બોર્ડે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ને સસ્પેન્ડ કરવાનો કઠિન નિર્ણય પણ લીધો છે, કારણ કે છેલ્લા બે વર્ષથી BPLના કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને નુકસાન થઈ રહ્યું હતું. હવે લીગના માળખાને મૂળભૂત રીતે વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ