ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની રોમાંચક શરૂઆત 12 જૂનથી ઈંગ્લેન્ડની ધરતી પર થવા જઈ રહી છે. આ મેગા ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાં જ તમામ ભાગ લેનારી ટીમોના કેપ્ટનોએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, જેમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ સામેલ હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હરમનપ્રીત કૌર અને એક રિપોર્ટર વચ્ચે નિવૃત્તિના પ્રશ્નને લઈને થયેલી રસપ્રદ વાતચીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
નિવૃત્તિના સવાલ પર હરમનપ્રીતનો રોકડો જવાબ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક રિપોર્ટરે ભારતીય કેપ્ટનને સવાલ પૂછ્યો, "શું આ તમારો છેલ્લો વર્લ્ડ કપ છે? તમે તેના વિશે શું કહેવા માંગો છો?" આ પ્રશ્ન સાંભળતા જ હરમનપ્રીતે પોતાના અંદાજમાં વળતો પ્રશ્ન કર્યો કે, "આ મારો છેલ્લો વર્લ્ડ કપ કેમ છે? શું તમે ઇચ્છો છો કે હું નિવૃત્તિ લઉં?" ભારતીય કેપ્ટનનો આવો જડબાતોડ જવાબ સાંભળીને રિપોર્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તેણે તાત્કાલિક મામલો થાળે પાડતા કહ્યું, "ના, હું ફક્ત જાણવા માંગતો હતો. મને એ સાંભળીને આનંદ થયો કે આ તમારો છેલ્લો વર્લ્ડ કપ નથી." જોકે, હરમનપ્રીતે ફરી હસતા હસતા ઉમેર્યું, "તો પછી તમે આવો સવાલ કેમ પૂછી રહ્યા છો?"













