ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ શરૂ થાય તે પહેલાં ઓકલૅન્ડના ઈડન પાર્કમાં એક ખાસ મુલાકાત જોવા મળી. ભારતીય કેપ્ટન શુભમન ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્માને ન્યૂઝીલેન્ડના રગ્બી લિજેન્ડ કેવન મીલામુએ ખાસ ભેટ આપી. તેમણે ત્રણેય ભારતીય ક્રિકેટરોને ન્યૂઝીલેન્ડની જાણીતી રગ્બી ટીમ 'ઓલ બ્લેક્સ'ની તેમના જર્સી નંબરવાળી ખાસ કાળી જર્સી ભેટમાં આપી હતી. આ મુલાકાત ક્રિકેટ અને રગ્બી એમ બે અલગ રમતોના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેના સન્માન અને મિત્રતાનું પ્રતીક બની હતી. 

ગિલ, કોહલી અને રોહિતને કયા નંબરની જર્સી મળી?

ઈડન પાર્કમાં યોજાયેલી આ ખાસ મુલાકાત દરમિયાન કેવન મીલામુએ ત્રણેય ખેલાડીઓને તેમના ક્રિકેટ જર્સી નંબર પ્રમાણે ઓલ બ્લેક્સની જર્સી આપી હતી. શુભમન ગિલને 77 નંબર, વિરાટ કોહલીને 18 નંબર અને રોહિત શર્માને 45 નંબરની જર્સી ભેટમાં મળી હતી. BCCIએ આ મુલાકાતને ભારતીય ક્રિકેટના ત્રણ સ્ટાર ખેલાડીઓ અને ન્યૂઝીલેન્ડ રગ્બીના દિગ્ગજ વચ્ચેની ખાસ પળ ગણાવી હતી. આ પ્રસંગે મીલામુએ 'માના'નો ઉલ્લેખ કર્યો હતો. માઓરી ભાષામાં 'માના'નો અર્થ સન્માન અને ઊર્જા વહેંચવા સાથે જોડાયેલો છે.

https://x.com/BCCI/status/2117810557344784758?s=20

કોણ છે કેવન મીલામુ?

કેવન મીલામુ ન્યૂઝીલેન્ડના રગ્બી ઇતિહાસના જાણીતા ખેલાડીઓમાં સામેલ છે. તેમણે ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય રગ્બી ટીમ 'ઓલ બ્લેક્સ' માટે 132 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેઓ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. મીલામુ 2011 અને 2015માં રગ્બી વર્લ્ડ કપ જીતનારી ન્યૂઝીલેન્ડની ટીમનો પણ ભાગ હતા. આ કારણે ન્યૂઝીલેન્ડના રગ્બી ચાહકોમાં તેમનું વિશેષ સ્થાન છે.

ભારત-ન્યૂઝીલેન્ડના રમત સંબંધોને 100 વર્ષ

આ મુલાકાતનું મહત્ત્વ માત્ર જર્સીની ભેટ પૂરતું નહોતું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના રમત સંબંધોને 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. બંને દેશો વચ્ચેના રમત સંબંધોની શરૂઆત 1926માં થઈ હતી. તે વર્ષે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની હાજરીમાં ભારતીય સેનાની હોકી ટીમે ન્યૂઝીલેન્ડનો ઐતિહાસિક પ્રવાસ કર્યો હતો. હાલનો ભારતનો ક્રિકેટ પ્રવાસ પણ આ 100 વર્ષની રમતગમતની મિત્રતાની ઉજવણીનો એક ભાગ છે. પ્રથમ વનડે પહેલાં બંને દેશોના ખેલાડીઓનું પરંપરાગત માઓરી સાંસ્કૃતિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમ આ વનડે શ્રેણીમાં ખાસ લિમિટેડ એડિશન 'કોતાહિતાંગા' જર્સી પહેરી રહી છે.

આ પણ વાંચો: video: ગુરનૂર બ્રારે બ્લેર ટિકનરને આપ્યો એવો જવાબ કે આખું મેદાન હસી પડ્યું! એક જ બોલમાં કરી દીધો ખેલ ખતમ