દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ ચાલુ ટુર્નામેન્ટમાં સ્પિન બોલરો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે. ભારતીય સ્પિન આક્રમણે અત્યાર સુધીમાં 21 વિકેટ ઝડપીને વિરોધી ટીમો પર દબાણ બનાવ્યું છે, જેમાં ડાબા હાથની સ્પિનર શ્રી ચરણી શાનદાર ફોર્મમાં છે અને છેલ્લા 8 ટી20માં 21 વિકેટ લઈ ચૂકી છે. અહીં રમાયેલી છેલ્લી 12 મેચોમાંથી 8 મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીતી છે, આથી ટોસ જીતનારી ટીમ પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ અને ભારતીય ટીમની તાકાત
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 21 મેચ જીતીને સંપૂર્ણ દબદબો જાળવી રાખ્યો છે જ્યારે બાંગ્લાદેશ માત્ર 3 મેચ જીતી શક્યું છે. જોકે, થાઈલેન્ડ સામે ભારતનો મિડલ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. આવી સ્થિતિમાં સ્મૃતિ મંધાના, કેપ્ટન હરમનપ્રીત કૌર અને ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલી યુવા બેટ્સમેન પ્રતીકા રાવલ પાસે મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે. સામે પક્ષે બાંગ્લાદેશની ફાસ્ટ બોલર મારુફા અખ્તર ભારતીય ટોપ ઓર્ડર માટે નવો બોલ સ્વિંગ કરીને સખત પડકાર ફેંકી શકે છે.
