જાપાનના નિશ્શિનમાં મંગળવારે નેપાળ અને શ્રીલંકા વચ્ચે પુરુષ ક્રિકેટની ક્વાર્ટર ફાઈનલ રમાવાની હતી. પરંતુ સતત વરસાદના કારણે મેદાન રમવા યોગ્ય બની શક્યું નહીં. મેચમાં ટોસ પણ થઈ શક્યો નહીં અને એક પણ બોલ ફેંકાયા વગર મુકાબલો રદ કરવામાં આવ્યો. નેપાળ માટે આ પરિણામ નિરાશાજનક રહ્યું. ટીમે ગ્રુપ સ્ટેજમાં અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જાપાન સામેની તેની બીજી મેચ પણ વરસાદના કારણે પૂરી થઈ શકી નહોતી. હવે ફરી વરસાદે નેપાળની ટૂર્નામેન્ટની સફર અટકાવી દીધી.
રેન્કિંગના આધારે શ્રીલંકાને ફાયદો
એશિયન ગેમ્સની નોકઆઉટ મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદના કારણે મેચ ન રમાય તો વધુ સારી ICC T20I રેન્કિંગ ધરાવતી ટીમને આગળ મોકલવાનો નિયમ છે. આ નિયમનો સીધો ફાયદો શ્રીલંકાને મળ્યો. શ્રીલંકા ICC T20I રેન્કિંગમાં 9મા ક્રમે છે, જ્યારે નેપાળ 14મા ક્રમે છે. તેથી મેચ રદ થયા બાદ શ્રીલંકાને વિજેતા જાહેર કરીને સેમિફાઈનલમાં મોકલવામાં આવ્યું.
નેપાળ એક પણ મેચ હાર્યું નહીં, છતાં બહાર
આ પરિણામની સૌથી ખાસ વાત એ છે કે નેપાળે એશિયન ગેમ્સમાં રમેલી મેચોમાં કોઈ સંપૂર્ણ મેચ હારી નહોતી. તેણે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે જાપાન સામેની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. પરંતુ ક્વાર્ટર ફાઈનલમાં પણ વરસાદના કારણે રમત શરૂ ન થઈ શકતા નેપાળને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું. એટલે ટીમ મેદાન પર હાર્યા વગર જ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ.
ભારત સામે શ્રીલંકાની સેમિફાઈનલ
શ્રીલંકાની સેમિફાઈનલમાં હવે ભારત સામે ટક્કર થશે. ભારત પણ સોમવારે અફઘાનિસ્તાન સામેની ક્વાર્ટર ફાઈનલ વરસાદના કારણે રમી શક્યું નહોતું. ભારતને તેની વધુ સારી રેન્કિંગના આધારે સેમિફાઈનલમાં પ્રવેશ મળ્યો હતો. એશિયન ગેમ્સમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે પુરુષ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ભારત 1 ઓક્ટોબરે સેમિફાઈનલમાં શ્રીલંકા સામે રમશે.
વરસાદ બની રહ્યો છે સૌથી મોટો વિલન
એશિયન ગેમ્સના પુરુષ ક્રિકેટમાં વરસાદની અસર સતત જોવા મળી રહી છે. સોમવારે પાકિસ્તાન-હોંગકોંગ અને ભારત-અફઘાનિસ્તાન બંને ક્વાર્ટર ફાઈનલમાં એક પણ બોલ રમાયો નહોતો. બંનેમાં વધુ સારી રેન્કિંગ ધરાવતી ટીમો સેમિફાઈનલમાં પહોંચી હતી. હવે શ્રીલંકા-નેપાળની મેચ પણ વરસાદમાં ધોવાઈ ગઈ છે. એટલે નોકઆઉટ તબક્કામાં અત્યાર સુધી વરસાદે ક્રિકેટ કરતાં વધારે ચર્ચા મેળવી છે.
આ પણ વાંચો: RCBને મોટો ઝટકો, આ દિગ્ગજે દુનિયાને કહ્યું અલવિદા... પહેલી મેચથી હતો સાથે