ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટર સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેણે ઇંગ્લેન્ડના જો રૂટને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સ્મિથે આ સિદ્ધિ મેળવી હતી. તેની શાનદાર ફિલ્ડિંગના કારણે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં તેનું નામ વધુ એક વખત નોંધાયું છે.
એક જ ઇનિંગમાં બે શાનદાર કેચ
દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઇનિંગ દરમિયાન સ્ટીવ સ્મિથે બે મહત્વના કેચ ઝડપ્યા હતા. 28મી ઓવરના ત્રીજા બોલ પર નાથન લાયનની બોલિંગમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા આઉટ થયો હતો. આ કેચ સ્મિથે પકડ્યો હતો.ત્યારબાદ 31મી ઓવરના પહેલા બોલ પર સ્મિથે ડેવિડ બેડિંગહમનો કેચ ઝડપ્યો હતો. બેડિંગહમ પોતાની અડધી સદીથી માત્ર 1 રન દૂર હતો, પરંતુ સ્મિથની શાનદાર ફિલ્ડિંગને કારણે તેની ઇનિંગનો અંત આવ્યો હતો.બેડિંગહમનો કેચ પકડતાની સાથે જ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

જો રૂટને પાછળ છોડ્યો
સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 221 કેચ પકડ્યા છે. અગાઉ આ રેકોર્ડ ઇંગ્લેન્ડના જો રૂટના નામે હતો, જેણે 220 કેચ ઝડપ્યા હતા. હવે રૂટ બીજા સ્થાને પહોંચી ગયો છે.ટેસ્ટ ક્રિકેટમાં સ્લિપ ફિલ્ડિંગ અત્યંત મહત્વની હોય છે. ખાસ કરીને ઝડપી બોલરો અને સ્પિનરોની બોલિંગ દરમિયાન બેટની કિનારી લઈને આવતા બોલને પકડવા માટે સારી એકાગ્રતા અને ઝડપી પ્રતિક્રિયાની જરૂર પડે છે. સ્મિથે વર્ષોથી પોતાની શાનદાર ફિલ્ડિંગ દ્વારા આ કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે.
સ્મિથની ઐતિહાસિક સિદ્ધિ
સ્ટીવ સ્મિથને વિશ્વના જાણીતા ટેસ્ટ બેટરોમાં ગણવામાં આવે છે. બેટિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ તેણે પોતાની ક્ષમતા સાબિત કરી છે. જો રૂટ જેવા અનુભવી ખેલાડીને પાછળ છોડીને આ રેકોર્ડ બનાવવો તેની કારકિર્દીની નોંધપાત્ર સિદ્ધિ છે.દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં સ્મિથના બે કેચ માત્ર વિકેટ મેળવવા પૂરતા મર્યાદિત રહ્યા નહોતા, પરંતુ તેના નામે એક નવો રેકોર્ડ પણ નોંધાયો હતો. હવે જોવાનું એ રહેશે કે આવનારી ટેસ્ટ મેચોમાં સ્મિથ પોતાના આ રેકોર્ડમાં કેટલો વધારો કરે છે.
આ પણ વાંચો - SA vs AUS 1st Test : દક્ષિણ આફ્રિકા પોતાની જાળમાં ફસાયું, ડરબન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો