ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 2-2ની બરાબરી પર સમાપ્ત થઈ છે.બેંગલુરુમાં પાંચમી મેચ વરસાદમાં ધોવાઈ ગઈ,પરંતુ આ આખી સિરીઝ દરમિયાન ભારતીય બોલરોનું પ્રદર્શન ભારે ચર્ચા અને ટીકાનો વિષય બન્યું છે.કેરેબિયન બેટ્સમેનોએ ભારતીય બોલિંગ આક્રમણના લીરેલીરા ઉડાવીને અનેકવાર વિશાળ સ્કોર ખડકી દીધા હતા.ભારતીય ટીમની આ બોલિંગ નબળાઈઓ અને રણનીતિને લઈને ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ભારે ચિંતા વ્યક્ત કરી છે.ગાવસ્કરે પ્લેઇંગ-11માં 8 બેટ્સમેનોને રમાડવાની ભારતીય ટીમ મેનેજમેન્ટની રણનીતિ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે.
કેરેબિયન બેટ્સમેનોનો આતંક
સુનીલ ગાવસ્કરના મતે,વધુ બેટિંગ વિકલ્પો અને બેટિંગમાં ઊંડાઈ રાખવાની લાલચમાં જો તમે નિષ્ણાત અને મુખ્ય બોલરોની સંખ્યા ઓછી કરી નાખો,તો ટીમને મોટું નુકસાન વેઠવું પડી શકે છે અને આ શ્રેણીમાં બરાબર એવું જ જોવા મળ્યું.વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ભારતીય બોલિંગને નિશાન બનાવીને શ્રેણીમાં 3 વખત 200થી વધુ રનનો સ્કોર બનાવ્યો હતો.એટલું જ નહીં,2 અલગ-અલગ મેચોમાં તો વિન્ડીઝે 240થી વધુ રનનો પહાડ જેવો સ્કોર બોર્ડ પર લગાવી દીધો હતો જેણે ભારતીય બોલિંગ લાઇન-અપની પોલ ખોલી નાખી હતી.
માત્ર 3 સ્પેશિયાલિસ્ટ બોલરો સાથે ઉતરવાની રણનીતિ પડી ભારે
આ શ્રેણીની મોટાભાગની મેચોમાં ટીમ મેનેજમેન્ટે માત્ર 3 નિષ્ણાત બોલરોને જ અંતિમ 11માં સ્થાન આપ્યું હતું.ચોથી T20 મેચનું ઉદાહરણ આપતા ગાવસ્કરે કહ્યું કે,જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 247 રન ફટકારેલા ત્યારે ભારત પાસે મયંક યાદવ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ જેવા માત્ર 3 જ મુખ્ય બોલરો હતા. બાકીની ઓવરો કોટા પૂરો કરવા માટે ટીમે નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ અને નમન ધીર જેવા ઓલરાઉન્ડરો પર નિર્ભર રહેવું પડ્યું હતું.પાર્ટ-ટાઇમર્સ પર આટલો મોટો ભરોસો રાખવાની રણનીતિ ફ્લોપ સાબિત થઈ અને ભારતે મેચ ગુમાવવી પડી.
સુનીલ ગાવસ્કરે આપી આ મહામૂલી સલાહ
ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમને સ્પષ્ટ સલાહ આપતા કહ્યું છે કે,ટીમે કોઈપણ ભોગે દરેક મેચમાં ઓછામાં ઓછા 4 નિષ્ણાત બોલરો સાથે જ મેદાન પર ઉતરવું જોઈએ.પાંચમા અને છઠ્ઠા બોલિંગ વિકલ્પ તરીકે એવા ઓલરાઉન્ડરોને લાવવા જોઈએ જેઓ બેટિંગમાં પણ થોડું યોગદાન આપી શકે.ગાવસ્કરે અક્ષર પટેલ અને નમન ધીરનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, ટીમ મેનેજમેન્ટે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો સીધો વિકલ્પ શોધવા પાછળ આંધળી દોડ લગાવવાને બદલે ઉપલબ્ધ ખેલાડીઓની ક્ષમતા મુજબ તેમની ભૂમિકા નક્કી કરવી જોઈએ.હાર્દિક જેવા કક્ષાના ખેલાડીની જગ્યા લેવી સરળ નથી,તેથી જો તેના જેવો પરફેક્ટ ખેલાડી ન મળે,તો જે ખેલાડી અન્ય રીતે ટીમ માટે ઉપયોગી થઈ શકે તેને પૂરતી તક આપવી જોઈએ.આ સંદર્ભમાં તેમણે નમન ધીરની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી.
કેપ્ટન શ્રેયસ અય્યરે પણ સ્વીકારી ભૂલ
સુનીલ ગાવસ્કર ઉપરાંત ખુદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પણ શ્રેણી પૂરી થયા બાદ બોલિંગ વિભાગની આ ખામીનો સ્વીકાર કર્યો હતો.અય્યરે જણાવ્યું હતું કે જો બીજી અને ચોથી T20 મેચમાં ટીમના બોલરોએ વધુ નિયંત્રિત બોલિંગ કરી હોત તો શ્રેણીનું પરિણામ ભારતની તરફેણમાં હોત. અય્યરે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપની પ્રશંસા કરી હતી, જેણે ભારતીય બોલરો સામે આખી સીરીઝમાં આક્રમક બેટિંગ કરી રન લૂંટ્યા હતા. હવે આગામી પ્રવાસો માટે ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11 ના સંતુલન પર ગંભીરતાથી વિચાર કરવો જ પડશે.
આ પણ વાંચો - Shubman Gill રણજી ટ્રોફીમાં ફ્લોપ, માત્ર 1 રન બનાવી આઉટ