2026ની શરૂઆતમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનો ટી20 કેપ્ટન હતો. તેના નેતૃત્વમાં ભારતે માર્ચમાં ત્રીજો ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ટૂર્નામેન્ટમાં સૂર્યાએ 9 મેચમાં 242 રન બનાવ્યા હતા અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 રન રહ્યો હતો. જોકે ત્યારબાદ તેની કેપ્ટનશિપ છીનવાઈ ગઈ અને શ્રેયસ અય્યરને નવો ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યો. સૂર્યકુમારની બેટિંગમાં લાંબા સમયથી ચાલી રહેલા ઘટાડાને પણ તેના ટીમમાંથી બહાર થવાના કારણોમાં એક માનવામાં આવ્યો. IPL 2026માં પણ મુંબઈ ઈન્ડિયન્સ માટે તેનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું અને તેણે 13 મેચમાં માત્ર 270 રન બનાવ્યા હતા.
મુંબઈની રણજી ટીમમાં પણ સ્થાન ન મળ્યું
આંતરરાષ્ટ્રીય ટીમમાંથી બહાર થયા બાદ સૂર્યકુમારને મુંબઈની રણજી ટીમમાં પણ સ્થાન મળ્યું નથી. મુંબઈના મુખ્ય પસંદગીકાર રાજેશ પવારે કહ્યું હતું કે સૂર્યાએ છેલ્લા લગભગ 18 મહિનાથી રેડ-બોલ ક્રિકેટ રમી નથી. સૂર્યકુમારે છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ ફેબ્રુઆરી 2025માં રમી હતી. સૂર્યકુમારે જોકે રણજી ટ્રોફી રમવાની પોતાની ઉપલબ્ધતા જણાવી હતી. તેમ છતાં ચંદીગઢ સામે 11 ઓક્ટોબરથી શરૂ થનારી મુંબઈની પ્રથમ મેચ માટે તેની પસંદગી કરવામાં આવી નથી.
