ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિમાં મોટો ફેરફાર કર્યો છે. પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના નવા ચેરમેન એટલે કે ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. અજિત અગરકરનો કાર્યકાળ પૂરો થયા બાદ ઓઝા વચગાળાના ધોરણે આ જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે તેમને આ પદની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે પૂર્વ ભારતીય સ્પિનર રમેશ પવારને પણ પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. BCCIના આ નિર્ણયથી ભારતીય ટીમની પસંદગી સમિતિમાં નવા સમીકરણો જોવા મળશે.
અજિત અગરકર બાદ ઓઝાને મળી જવાબદારી
અજિત અગરકરે ઓક્ટોબરની શરૂઆતમાં ચીફ સિલેક્ટર તરીકેનો કાર્યકાળ પૂરો કર્યો હતો. ત્યારબાદ BCCIએ પસંદગી સમિતિમાં ખાલી પડેલી જગ્યા માટે અરજીઓ મંગાવી હતી. પ્રજ્ઞાન ઓઝા અગાઉથી જ સમિતિમાં સભ્ય હતા અને અગરકરના ગયા બાદ વચગાળાના ચેરમેન તરીકે કામ કરી રહ્યા હતા. હવે BCCIએ તેમને પૂર્ણ સમયના ચેરમેન તરીકે જવાબદારી સોંપી છે. તેમની આગેવાની હેઠળ પસંદગી સમિતિ ટેસ્ટ, વનડે અને T20 આંતરરાષ્ટ્રીય મેચો માટે ભારતીય ટીમની પસંદગી કરશે.
રમેશ પવાર પણ પસંદગી સમિતિમાં સામેલ
પૂર્વ ભારતીય સ્પિનર રમેશ પવારને પસંદગી સમિતિમાં નવા સભ્ય તરીકે સ્થાન મળ્યું છે. તેઓ વેસ્ટ ઝોનના પ્રતિનિધિ તરીકે સમિતિમાં જોડાશે. પવાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. નવી સમિતિમાં પ્રજ્ઞાન ઓઝા અને રમેશ પવાર ઉપરાંત શિવ સુંદર દાસ, આરપી સિંહ અને અજય રાત્રાનો સમાવેશ થાય છે.
પ્રજ્ઞાન ઓઝાની ક્રિકેટ કારકિર્દી
પ્રજ્ઞાન ઓઝા ભારતના પૂર્વ ડાબોડી સ્પિનર છે. તેમણે ભારત માટે 24 ટેસ્ટ મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટનો તેમનો અનુભવ પસંદગી સમિતિના ચેરમેન તરીકેની ભૂમિકામાં ઉપયોગી થયો છે. ઓઝા અગાઉ પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ કામ કરી ચૂક્યા છે. હવે તેમની સામે ભારતીય ટીમ માટે યોગ્ય ખેલાડીઓની પસંદગી કરવાની અને આગામી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ માટે ટીમ તૈયાર કરવાની જવાબદારી રહેશે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં મહત્વની જવાબદારી
ભારતીય ટીમે આગામી સમયમાં ન્યૂઝીલેન્ડ સામે પાંચ T20I, પાંચ વનડે અને બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. વનડે શ્રેણી 4 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે ટેસ્ટ શ્રેણી 19 નવેમ્બરથી શરૂ થવાની છે. આવા સમયે પસંદગી સમિતિમાં થયેલો ફેરફાર મહત્વનો છે. હવે પ્રજ્ઞાન ઓઝાની આગેવાની હેઠળની સમિતિ આગામી શ્રેણીઓ માટે ટીમની પસંદગી કરશે.
આ પણ વાંચો: Abhishek Sharmaના ફોર્મ પર આકાશ ચોપરાનું મોટું નિવેદન: 'આ રીતે રમશે તો ટીમમાંથી...!