દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની બીજી મેચમાં શાનદાર સદી ફટકારીને લાંબા સમય બાદ ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. જોહાનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં બાવુમાએ એવી સ્થિતિમાં સદી ફટકારી હતી જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ શરૂઆતમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.આ સદી બાવુમા માટે ખાસ છે, કારણ કે લગભગ 3 વર્ષ બાદ તેમના બેટમાંથી વનડે ક્રિકેટમાં સદી જોવા મળી છે. આગામી વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં યોજાવાનો હોવાથી ટીમના કેપ્ટન તરીકે બાવુમા પર પણ મોટી જવાબદારી છે. ઓસ્ટ્રેલિયા સામેની આ ઇનિંગ સાથે તેમણે પોતાની તૈયારી અને ઇરાદાનો સંકેત આપી દીધો છે.

પ્રથમ બોલથી જ દક્ષિણ આફ્રિકાને ઝટકો

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી નહોતી. ઇનિંગના પ્રથમ જ બોલ પર ઓપનર એડન માર્કરમની વિકેટ ગુમાવી દેતા ટીમ પર દબાણ આવી ગયું હતું.ત્યારબાદ કેપ્ટન ટેમ્બા બાવુમા ક્રિઝ પર આવ્યા હતા. તેમની સામે મુશ્કેલ પરિસ્થિતિ હતી. દક્ષિણ આફ્રિકાએ 100 રનનો આંકડો પાર કરે તે પહેલાં જ વધુ 2 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, બાવુમા એક છેડો સંભાળીને ઉભા રહ્યા અને ઇનિંગને આગળ વધારતા રહ્યા.બાવુમાને ત્યારબાદ ડેવિડ મિલરનો સારો સાથ મળ્યો. બંનેએ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ધીરજ સાથે બેટિંગ કરી અને દક્ષિણ આફ્રિકાની ઇનિંગને મજબૂત બનાવી.

112 બોલમાં ફટકારી સદી

બાવુમાએ શાનદાર બેટિંગ કરતાં 112 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેમની સદીના કારણે દક્ષિણ આફ્રિકાએ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવીને મોટો સ્કોર ઊભો કરવાની દિશામાં આગળ વધ્યું.બાવુમા અને ડેવિડ મિલર વચ્ચે 156 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. બંને બેટરોએ ઓસ્ટ્રેલિયાના બોલરો પર દબાણ બનાવ્યું હતું.મિલરે પણ શાનદાર સદી ફટકારી હતી. બાવુમા અને મિલરની સદીના કારણે દક્ષિણ આફ્રિકાએ અંતે 365 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો.

https://x.com/ICC/status/2104161862644572525?s=20


3 વર્ષ બાદ વનડેમાં સદી

બાવુમા માટે આ સદી સૌથી વધુ રાહત આપનારી રહી છે. તેમણે 2023માં વનડે ક્રિકેટમાં 3 સદી ફટકારી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી તેમના બેટમાંથી વનડે સદી જોવા મળી નહોતી.લગભગ 3 વર્ષ બાદ આવેલી આ સદી સાથે બાવુમાએ ફરી એકવાર પોતાની બેટિંગ ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે આ સદી એવા સમયે ફટકારી જ્યારે ટીમને તેમની પાસેથી સૌથી વધુ જરૂર હતી.

ઓસ્ટ્રેલિયા સામેની સદીનું ખાસ મહત્વ

બાવુમાની આ સદી ઓસ્ટ્રેલિયા સામેની વનડે ક્રિકેટમાં તેમની પ્રથમ સદી છે. આ કારણે પણ આ ઇનિંગ તેમના માટે ખાસ બની છે.2023ના વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. તે મેચમાં બાવુમા ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. તે સમયે પણ તેઓ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન હતા.હવે ઓસ્ટ્રેલિયા સામે જ મુશ્કેલ સ્થિતિમાં આવીને સદી ફટકારીને બાવુમાએ પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી છે. આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતાં આ ઇનિંગ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન માટે આત્મવિશ્વાસ વધારનારી બની શકે છે.

આ પણ વાંચો - Justin Greavesએ કરિયાની પ્રથમ સદી ફટકારી, ક્રિસ ગેલના ખાસ ક્લબમાં મેળવ્યું સ્થાન