ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ પ્રકરણોમાંના એક એવા 2018ના સેન્ડપેપર કાંડની ચર્ચા ફરી શરૂ થઈ છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર ચેડ સેયર્સે ઉસ્માન ખ્વાજાના દાવાને સમર્થન આપતાં કહ્યું છે કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમના દરેક ખેલાડીને બોલ સાથે ચેડાં કરવાની યોજના અંગે જાણ હતી. આ નિવેદનથી હાલના ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સના અગાઉના ઇનકાર સામે ફરી સવાલો ઊભા થયા છે.
‘મને વિશ્વાસ છે કે બધાને ખબર હતી’
સેયર્સે રવિવારે એસઈએન રેડિયો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે માને છે કે 2018ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમના દરેક ખેલાડીને ખબર હતી કે બોલ સાથે શું કરવામાં આવી રહ્યું હતું અને કઈ વસ્તુનો ઉપયોગ થતો હતો. સેયર્સે કહ્યું કે, તે કોઈની તરફેણ કરી રહ્યો નથી, પરંતુ જે જોયું અને જે માનતો હતો તે જણાવી રહ્યો છે. તેના મતે, બોલને રિવર્સ સ્વિંગ કરાવવા માટે મેદાનમાં આખી ટીમની ભૂમિકા મહત્ત્વની હોય છે. જો ફિલ્ડિંગ દરમિયાન બોલની એક બાજુની સ્થિતિ બગડે તો રિવર્સ સ્વિંગ પર અસર થઈ શકે છે. તેથી આ પ્રક્રિયા અંગે ટીમના અન્ય ખેલાડીઓને પણ જાણ હોવી જોઈએ.
બીજી ટેસ્ટમાં મેદાનમાંથી સેન્ડપેપર હટાવ્યું હોવાનો દાવો
સેયર્સે દાવો કર્યો હતો કે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ દરમિયાન સેન્ડપેપર તેને મેદાનમાંથી હટાવવા માટે આપવામાં આવ્યું હતું. તે સમયે તે 12મા ખેલાડી તરીકે ટીમ સાથે હતો. તેના કહેવા પ્રમાણે, આ વસ્તુ તેને અચાનક આપવામાં આવી હતી અને તેને મેદાનની બહાર લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટના પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી બીજી ટેસ્ટ સાથે જોડાયેલી છે. સેયર્સે એમ પણ કહ્યું કે બોલ સાથે ચેડાંના મામલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવી નહોતી.
ખ્વાજાએ આત્મકથામાં કર્યો હતો ખુલાસો
આ વિવાદ ફરી ચર્ચામાં આવવાનું કારણ ઉસ્માન ખ્વાજાની આત્મકથા 'સબર: ફાઇન્ડિંગ માય વે ઇન ક્રિકેટ એન્ડ લાઇફ' છે. ખ્વાજાએ તેમાં દાવો કર્યો હતો કે 2018ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન બોલ સાથે ચેડાં કરવાની યોજના અંગે માત્ર ત્રણ ખેલાડીઓને જ નહીં, પરંતુ આખી ઓસ્ટ્રેલિયન ટીમને જાણ હતી. ખ્વાજાના આ દાવાને પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે પણ સમર્થન આપ્યું હતું. હવે સેયર્સના નિવેદનથી આ વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.
કમિન્સે ખ્વાજાના દાવાને ગણાવ્યા હતા ખોટા
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ખ્વાજાના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને બકવાસ ગણાવ્યા હતા. કમિન્સે કહ્યું હતું કે બોલ સાથે ચેડાં અંગે આખી ટીમની કોઈ સામૂહિક ચર્ચા થઈ નહોતી. સેયર્સે કમિન્સની પ્રતિક્રિયા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેના મતે, કમિન્સે ખ્વાજા અંગે વ્યક્તિગત ટિપ્પણી કરવાની જરૂર નહોતી. સેયર્સે કહ્યું કે કમિન્સે જે રીતે ખ્વાજા પર વ્યક્તિગત પ્રહાર કર્યો તે તેને પસંદ આવ્યું નહોતું.
2018માં સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટને સજા થઈ હતી
માર્ચ 2018માં દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ દરમિયાન કેમેરોન બેનક્રોફ્ટ બોલની સપાટી સાથે સેન્ડપેપર ઘસતો કેમેરામાં ઝડપાયો હતો. ત્યાર બાદ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટને આ મામલે સજા કરવામાં આવી હતી. સ્મિથ અને વોર્નર પર 12 મહિના, જ્યારે બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તે સમયની તપાસમાં આ ત્રણ ખેલાડીઓને જ આ ઘટનાની જાણ હોવાનું તારણ આપવામાં આવ્યું હતું. જોકે, નવા દાવાઓ સામે આવ્યા હોવા છતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તપાસ ફરી શરૂ નહીં કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
આ પણ વાંચો: WPL 2027માં મોટો ફેરફાર! મુંબઈની તમામ 11 મેચ હવે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે