ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર પોતાની કારકિર્દીની અમૂલ્ય યાદોને ચાહકો સુધી પહોંચાડવા માટે અનોખી પહેલ કરવા જઈ રહ્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 100 સદી સહિતની ઐતિહાસિક ઇનિંગ્સમાં ઉપયોગમાં લીધેલાં 26 બેટ્સ મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)ના શરદ પવાર ક્રિકેટ મ્યુઝિયમને ભેટ આપશે. આ બેટ્સ અને અન્ય યાદગાર વસ્તુઓને ‘બેટોગ્રાફી’ નામના વિશેષ પ્રદર્શનમાં મૂકવામાં આવશે. તેનું ઉદ્ઘાટન 16 નવેમ્બર, 2026ના રોજ થશે.

26 બેટ્સમાં છુપાયેલી છે સચિનની કારકિર્દીની કહાની

‘બેટોગ્રાફી’ નામ બાયોગ્રાફી એટલે કે જીવનકથાના વિચાર પરથી રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સચિનની કારકિર્દીના અલગ-અલગ તબક્કામાં તેમની સાથે રહેલાં 26 બેટ્સ રજૂ કરવામાં આવશે. દરેક બેટ તેમની કારકિર્દીની કોઈ ખાસ ક્ષણ, યાદગાર ઇનિંગ્સ કે મોટી સિદ્ધિની કહાની રજૂ કરશે. ખાસ વાત એ છે કે આ બેટ્સમાં એવા બેટ્સનો પણ સમાવેશ થાય છે, જેની મદદથી સચિને પોતાની 100 આંતરરાષ્ટ્રીય સદીમાંથી કેટલીક સદી ફટકારી હતી. આ રીતે ચાહકોને માત્ર સચિનનાં બેટ્સ જોવાની જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલી ઐતિહાસિક ક્ષણોને ફરી યાદ કરવાની તક મળશે.

બેટ્સ સાથે હેલ્મેટ અને જર્સી પણ જોવા મળશે

આ પ્રદર્શનમાં માત્ર 26 બેટ્સ જ નહીં, પરંતુ સચિનની કારકિર્દી સાથે જોડાયેલી બીજી અનેક વસ્તુઓ પણ મૂકવામાં આવશે. તેમાં હેલ્મેટ, જર્સી અને કારકિર્દીના મહત્ત્વના પ્રસંગો સાથે જોડાયેલી અંગત નોંધોનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ દ્વારા મુલાકાતીઓ સચિનની ક્રિકેટ સફરના અલગ-અલગ પડાવને નજીકથી જાણી શકશે. MCAનું કહેવું છે કે આ પ્રદર્શનનો હેતુ સચિનની સિદ્ધિઓને માત્ર આંકડાઓ સુધી સીમિત રાખવાને બદલે તેની પાછળની યાદો અને અનુભવોને પણ સાચવી રાખવાનો છે.

નિવૃત્તિના 13 વર્ષ પૂરાં થવાના દિવસે ઉદ્ઘાટન

‘બેટોગ્રાફી’ પ્રદર્શનનું ઉદ્ઘાટન 16 નવેમ્બર, 2026ના રોજ કરવામાં આવશે. આ તારીખ સચિનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિને 13 વર્ષ પૂરાં થવાના પ્રસંગ સાથે જોડાયેલી છે. સચિને 16 નવેમ્બર, 2013ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાની કારકિર્દીની 200મી અને છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ સાથે તેમની 24 વર્ષ લાંબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સફરનો અંત આવ્યો હતો. હવે એ જ તારીખે તેમની કારકિર્દીની યાદગાર વસ્તુઓનું પ્રદર્શન શરૂ થવાથી આ પ્રસંગ વધુ ખાસ બનશે.

MCAએ સચિનની ભેટને ગણાવી અમૂલ્ય વારસો

મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અજિંક્ય નાઈકે કહ્યું કે સચિન તેંડુલકરનું યોગદાન માત્ર તેમના રેકોર્ડ સુધી મર્યાદિત નથી. તેમની સફર કરોડો ક્રિકેટ ચાહકોની યાદો સાથે જોડાયેલી છે અને આ બેટ્સ તેમની સફરની સૌથી અંગત યાદગાર વસ્તુઓમાં સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ‘બેટોગ્રાફી’ દ્વારા મ્યુઝિયમમાં એક નવો અનુભવ ઉમેરાશે. આ પહેલથી આવનારી પેઢીઓને પણ સચિનની ઐતિહાસિક કારકિર્દી અને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનને નજીકથી જાણવાની તક મળશે.

આ પણ વાંચો: IPL 2028માં 12 ટીમો થશે? BCCIએ અટકળો પર આપી દીધો સ્પષ્ટ જવાબ !