મહિલા પ્રીમિયર લીગ (WPL) 2027ની હરાજીમાં એક 15 વર્ષની ખેલાડીએ ઇતિહાસ રચ્યો છે. કર્ણાટકની યુવા ઓલરાઉન્ડર ઉમા કાશ્વીને દિલ્હી કેપિટલ્સે ₹10 લાખમાં ખરીદી છે. આ સાથે તે WPL હરાજીના ઇતિહાસમાં વેચાનારી સૌથી નાની ઉંમરની ખેલાડી બની ગઈ છે. આટલી નાની ઉંમરે લીગમાં સ્થાન મેળવવું તેની પ્રતિભા અને અત્યાર સુધીના પ્રદર્શનને દર્શાવે છે. 28 ઓક્ટોબરે કોચીમાં યોજાયેલી WPL 2027ની મિની ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે ઉમા પર તેની બેઝ પ્રાઇસ ₹10 લાખની બોલી લગાવી હતી. ઉમા માત્ર 15 વર્ષની છે અને તેણે પોતાની રમતથી વયજૂથની ક્રિકેટમાં અલગ ઓળખ બનાવી છે. તે બેટિંગની સાથે જમણા હાથથી ઑફ સ્પિન બોલિંગ પણ કરે છે.

7 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું

ઉમા કાશ્વીનો જન્મ 9 એપ્રિલ, 2011ના રોજ કર્ણાટકમાં થયો હતો. તેણે માત્ર 7 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. નાની ઉંમરથી જ ક્રિકેટ પ્રત્યેનો તેનો રસ વધતો ગયો અને તેણે કોચિંગ એકેડમીમાં તાલીમ લેવાનું શરૂ કર્યું. ઉમાએ પોતાની મહેનત અને પ્રદર્શનના આધારે કર્ણાટકની વયજૂથની ટીમોમાં સ્થાન મેળવ્યું હતું. તે કર્ણાટકની અંડર-15 ટીમની કેપ્ટનશિપ પણ કરી ચૂકી છે. હાલમાં તે કર્ણાટકની અંડર-19 ટીમનો ભાગ છે.

અંડર-15 ટૂર્નામેન્ટમાં 516 રન ફટકાર્યા

ઉમાની પ્રતિભાની સૌથી મોટી ઝલક મહિલા અંડર-15 વનડે ટૂર્નામેન્ટમાં જોવા મળી હતી. આ સ્પર્ધામાં તેણે 172ની સરેરાશથી કુલ 516 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. આ પ્રદર્શનને કારણે તે ચર્ચામાં આવી હતી. બેટિંગમાં મોટા સ્કોર કરવાની ક્ષમતા ઉપરાંત બોલિંગમાં પણ યોગદાન આપવાની તેની ખાસિયત તેને એક ઉપયોગી ઓલરાઉન્ડર બનાવે છે.

ભારતની અંડર-19 ટીમમાં પણ રમી ચૂકી છે

ઉમા કાશ્વીને ભારતની અંડર-19 ટીમ તરફથી રમવાની તક પણ મળી છે. 2026માં શ્રીલંકાની અંડર-19 ટીમ સામેની શ્રેણીમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ અનુભવથી તેને આંતરરાષ્ટ્રીય સ્તરની યુવા ક્રિકેટનો પરિચય મળ્યો. આ ઉપરાંત તે કર્ણાટકની સ્થાનિક સ્પર્ધાઓમાં પણ રમી ચૂકી છે. વયજૂથની ક્રિકેટમાં તેના પ્રદર્શન અને સતત પ્રગતિએ WPLની ફ્રેન્ચાઇઝીઓનું ધ્યાન ખેંચ્યું હતું.

દિલ્હી કેપિટલ્સે ભવિષ્યના ખેલાડી તરીકે પસંદ કરી

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ જોનાથન બેટીએ જણાવ્યું હતું કે ટીમના સ્કાઉટ્સ લાંબા સમયથી ઉમા પર નજર રાખી રહ્યા હતા. તેના પ્રદર્શન અંગે સારો પ્રતિસાદ મળ્યા બાદ ટીમે તેને ખરીદવાનો નિર્ણય કર્યો હતો. બેટીએ કહ્યું કે 15 વર્ષની ઉંમરે ઉમા હજુ શીખવાની પ્રક્રિયામાં છે અને ટીમ તેની પાસેથી તરત જ સંપૂર્ણ તૈયાર ખેલાડી જેવું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખતી નથી. ફ્રેન્ચાઇઝી તેને લાંબા ગાળાના પ્રોજેક્ટ તરીકે જોઈ રહી છે. દિલ્હી કેપિટલ્સમાં તેને અનુભવી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવાની, કોચિંગ સ્ટાફ પાસેથી શીખવાની અને પોતાની રમતને વધુ વિકસાવવાની તક મળશે. WPL 2027ની હરાજીમાં સ્થાન મેળવીને ઉમાએ ભારતીય મહિલા ક્રિકેટમાં પોતાની નવી સફરની શરૂઆત કરી છે.

આ પણ વાંચો: WPL 2027 Auction: મોટા નામો, મોટો ઝટકો! આ 5 સ્ટાર ખેલાડીઓને કોઈ ખરીદદાર ન મળ્યો