ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં ભારતીય બેટ્સમેનોએ એવો ધમાકો કર્યો કે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પણ પોતાની પ્રતિક્રિયા આપવાથી રોકી શક્યા નહીં. અભિષેક શર્માની તોફાની સદી અને વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગથી પ્રભાવિત થઈને યુવરાજે સોશિયલ મીડિયા પર બંનેની પ્રશંસા કરી હતી. તેમણે આ જોડીને ‘Devastating Combination’ ગણાવી હતી. એટલું જ નહીં, અભિષેકની બેટિંગની પ્રશંસા કરતાં યુવરાજે મજાકિયા અંદાજમાં કહ્યું કે તેઓ પોતે પણ 30 કે 34 બોલમાં સદી ફટકારી શકતા નથી. યુવરાજ સિંહે 27 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ટીમ ઈન્ડિયાને સિરીઝ જીત બદલ અભિનંદન આપ્યાં હતાં. અભિષેકને સંબોધતાં તેમણે લખ્યું હતું કે, “હું 30 કે 34 બોલમાં 100 રન બનાવી શકતો નથી.” આ ટિપ્પણીમાં અભિષેકની અસાધારણ બેટિંગની પ્રશંસા સાથે હળવી મજાક પણ હતી.
https://x.com/YUVSTRONG12/status/2115022376270500266?s=20
અભિષેકે 38 બોલમાં ફટકાર્યા 113 રન
ન્યૂઝીલેન્ડ સામે ભારતને 199 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. અભિષેક શર્માએ માત્ર 38 બોલમાં 113 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેમણે 9 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. અભિષેકે માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને 35 બોલમાં સદી નોંધાવી હતી. બીજી તરફ, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 45 રન બનાવીને અભિષેકને જોરદાર સાથ આપ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર 7.1 ઓવરમાં 133 રનની ભાગીદારી નોંધાવી હતી. આ આક્રમક શરૂઆતના કારણે ભારતે મેચમાં ન્યૂઝીલેન્ડ પર દબાણ બનાવી દીધું હતું.
‘Devastating Combination’, વૈભવની પણ પ્રશંસા
યુવરાજે પોતાની પોસ્ટમાં વૈભવની બેટિંગનાં પણ વખાણ કર્યાં હતાં. અભિષેક અને વૈભવની જોડીને ‘Devastating Combination’ કહીને તેમણે બંને યુવા બેટ્સમેનોના પ્રદર્શનને બિરદાવ્યું હતું. યુવરાજે સંજુ સેમસનની પણ પ્રશંસા કરી હતી. સંજુએ નંબર 3 પર બેટિંગ કરીને ટીમની જરૂરિયાત મુજબ પોતાની ભૂમિકા નિભાવી હતી. યુવરાજે તેને સંપૂર્ણ ટીમ પ્લેયર ગણાવ્યો હતો. આ ઉપરાંત, ન્યૂઝીલેન્ડને 200 રનથી નીચે રોકવા બદલ ભારતીય બોલરોને પણ અભિનંદન આપ્યાં હતાં.
https://x.com/YUVSTRONG12/status/2115009942658953242?s=20
બીજી પોસ્ટમાં અભિષેકને ચેલેન્જ
યુવરાજ સિંહે અભિષેક શર્માને મજાકિયા અંદાજમાં એક પડકાર પણ ફેંક્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં અભિષેકને ટેગ કરીને લખ્યું, “તું હજુ પણ 12 બોલમાં 50 રન તો નહીં બનાવી શકે ને?” ? યુવરાજની આ ટિપ્પણીમાં અભિષેકની આક્રમક બેટિંગનાં વખાણની સાથે તેને વધુ એક પડકારજનક લક્ષ્ય હાંસલ કરવા માટેની મજાકિયા ચેલેન્જ પણ જોવા મળી હતી. આટલું જ નહીં, તેમણે અભિષેક અને વૈભવ સૂર્યવંશીની બેટિંગને એવી ગણાવી હતી, જાણે બંને ડાબોડી બેટ્સમેનો પોતાના ઘરના આંગણામાં સહજતાથી રમી રહ્યા હોય.
ભારતે 3-0થી જીતી સિરીઝ
ભારતે ન્યૂઝીલેન્ડના 198 રનના સ્કોરનો પીછો માત્ર 13.2 ઓવરમાં કરીને મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી હતી. અભિષેકની વિસ્ફોટક સદી, વૈભવની આક્રમક બેટિંગ અને ટીમના સામૂહિક પ્રદર્શનથી યુવરાજ સિંહ પ્રભાવિત થયા હતા. તેમની પોસ્ટે ફરી એકવાર અભિષેક-વૈભવની જોડીને ચર્ચામાં લાવી દીધી છે.
આ પણ વાંચો: IND VS NZ: વેસ્ટ ઈન્ડિઝના કોચ પણ દંગ! ડેરેન સેમીએ કહ્યું, ‘ભારત એક ખતરનાક ટીમ છે’