ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બેટર ટ્રેવિસ હેડે ફરી એકવાર પોતાની તોફાની બેટિંગનો નજારો રજૂ કર્યો છે. ઓસ્ટ્રેલિયા અને જિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી 3 મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં હેડે જબરદસ્ત શતક ફટકારીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. હેડની આ વિસ્ફોટક ઇનિંગ બાદ ઓસ્ટ્રેલિયાએ મોટો સ્કોર કરવાની દિશામાં પગલું ભર્યું છે.
મિચેલ માર્શે પણ ફટકાર્યું અડધી સદી
શ્રેણીની પ્રથમ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલેથી જ 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ બાદ પ્રથમ બેટિંગ કરી હતી. કેપ્ટન મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે ટીમને ઝડપી શરૂઆત અપાવી.મિચેલ માર્શે 63 બોલમાં 53 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો. માર્શ આઉટ થયા બાદ ટ્રેવિસ હેડે પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી.
75 બોલમાં શતક, હેડે બનાવ્યો ખાસ રેકોર્ડ
ટ્રેવિસ હેડે માત્ર 75 બોલમાં પોતાનું શતક પૂરું કર્યું હતું.આ તેમનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20મું અને વનડે ક્રિકેટમાં 8મું શતક છે.આ શતક સાથે હેડે જિમ્બાબ્વે સામે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી શતક ફટકારનાર ઓસ્ટ્રેલિયન બેટર બનવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ જ શ્રેણીની પ્રથમ મેચમાં મેટ રેનશોએ 86 બોલમાં શતક ફટકાર્યું હતું. હવે હેડે માત્ર થોડા દિવસોમાં જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.હેડે પોતાની ઇનિંગ દરમિયાન ચોગ્ગા અને છગ્ગાની પણ જોરદાર આતશબાજી કરી હતી. તેની આ બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયા મોટા સ્કોર તરફ આગળ વધ્યું હતું.
https://x.com/ICC/status/2100875557395415499?s=20
હેડના શતક સાથે ઓસ્ટ્રેલિયાનો ખાસ રેકોર્ડ
ટ્રેવિસ હેડના શતક સાથે જોડાયેલો ઓસ્ટ્રેલિયાનો એક રસપ્રદ રેકોર્ડ પણ ચર્ચામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેડે જ્યારે પણ ઓસ્ટ્રેલિયા માટે શતક ફટકાર્યું છે, ત્યારે તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો નથી.આ કારણે જિમ્બાબ્વે સામેની બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાનું મનોબળ વધુ મજબૂત બન્યું છે. જોકે ક્રિકેટમાં પરિણામ અંતિમ બોલ સુધી નક્કી થતું નથી અને મેચ દરમિયાન પરિસ્થિતિ બદલાઈ શકે છે.
હરારેમાં રમાઈ રહી છે બીજી વનડે
ઓસ્ટ્રેલિયા અને જિમ્બાબ્વે વચ્ચેની આ મેચ હરારેમાં રમાઈ રહી છે.આગામી વનડે વર્લ્ડ કપની તૈયારીની દૃષ્ટિએ પણ આ શ્રેણી મહત્વની છે.આગામી વનડે વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકા,જિમ્બાબ્વે અને નામિબિયામાં થવાનું છે.વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા માટે તેના મહત્વના ખેલાડીઓનું ફોર્મ અને ટીમનું સંતુલન ચકાસવાની આ શ્રેણી મહત્વપૂર્ણ બની રહી છે. બીજી વનડેમાં ટ્રેવિસ હેડે જે રીતે બેટિંગ કરી છે, તે ઓસ્ટ્રેલિયા માટે ચોક્કસપણે સારા સમાચાર છે.
આ પણ વાંચો - ICC T20I Rankings : ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે કાંટાની ટક્કર, સમજો નંબર-1નું ગણિત