ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાન કેનેડા સુપર 60 (Canada Super 60) સ્પર્ધાની પુરુષ તેમજ મહિલા ફ્રેન્ચાઇઝી 'વેનકુવર એન્કર્સ'ના ઓનરશિપ ગ્રૂપમાં સામેલ થઈ ગયો છે. અહી તમને જણાવી દઈએ કે, ભારતના ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પહેલેથી જ કેનેડા સુપર 60ના સહમાલિક છે. ઝહીર ખાન હવે નાગેન્દ્ર નાગા સિદ્દોતમ અને સ્ટોકહોમ સ્થિત એન્કર સ્પોર્ટ્સ એબી સાથે મળીને આ ફ્રેન્ચાઇઝીના માલિકી હકના જૂથમાં જોડાયો છે.
ઝહીર અને યુવીની જોડી ફરી એક મંચ પર
આ નવા જોડાણ સાથે ઝહીર અને યુવરાજની જોડી ફરી એકવાર એક મંચ પર સાથે જોવા મળશે. આ બંને ખેલાડીઓ લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યા છે, જેમાં 2011ના ઐતિહાસિક વન-ડે વર્લ્ડ કપ વિજયનો પણ સમાવેશ થાય છે. વેનકુવર એન્કર્સની ટીમ વેનકુવરના પ્રતિષ્ઠિત બીસી પ્લેસ સ્ટેડિયમ ખાતે પોતાના હોમ ગ્રાઉન્ડમાં મેચ રમશે.
કેનેડા સુપર 60 એક ઉચ્ચ સ્તરની ટૂર્નામેન્ટ
આ નવી ઇનિંગ અંગે ઝહીર ખાને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, કેનેડા સુપર 60 એક ઉચ્ચ સ્તરની ટૂર્નામેન્ટ છે અને તેનું આયોજન વૈશ્વિક ઓળખ ધરાવતા શહેરમાં થઈ રહ્યું છે. મારા જૂના સાથી ખેલાડી અને અંગત મિત્ર યુવરાજ સિંહ આ લીગના માલિકી હિસ્સા સાથે જોડાયેલા છે, જેથી આ સ્પર્ધા અંગે મારો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
યુવી સાથે આ નવી સફરની શરૂઆત કરવા માટે હું અત્યંત ઉત્સાહિત
તેણે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતપૂર્વ ક્રિકેટર તરીકે અમારું એ દાયિત્વ બને છે કે અમે એવી વિશ્વસનીય લીગને પ્રોત્સાહન આપીએ જે ICCના એસોસિયેટ દેશોના પ્રતિભાશાળી ખેલાડીઓ તેમજ મહિલા ક્રિકેટર્સ માટે વાસ્તવિક તકોનું નિર્માણ કરે. વેનકુવર પહોંચીને મારા મિત્ર યુવી સાથે આ નવી સફરની શરૂઆત કરવા માટે હું અત્યંત ઉત્સાહિત છું.
કેનેડા સુપર 60ની બીજી સિઝન 29 સપ્ટેમ્બરથી શરૂ
બીજી તરફ, કેનેડા સુપર 60ના કો-ઓનર યુવરાજ સિંહે આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, ઝેક (ઝહીર) અને મેં ભારતીય ક્રિકેટ કરિયરની કેટલીક શ્રેષ્ઠ ક્ષણો મેદાન પર સાથે માણી છે. હવે આ નવી ટૂર્નામેન્ટ માટે ફરી એકવાર એકબીજા સાથે જોડાવું અમારા માટે ખૂબ જ વિશેષ અનુભવ છે. ઉલ્લેખનીય છે કે કેનેડા સુપર 60ની બીજી સિઝન 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન વેનકુવરના બીસી પ્લેસ ખાતે યોજાશે, જેમાં કુલ છ ફ્રેન્ચાઇઝી ટીમો ટ્રોફી જીતવા ટકરાશે.