ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું નેતૃત્વ બે સ્ટાર મહિલા ખેલાડીઓ કરશે.ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ અને સ્ટાર બોક્સર લવલીના બોર્ગોહેનને ઉદ્ઘાટન સમારોહ માટે ભારતીય ટુકડીના ધ્વજવાહક તરીકે પસંદ કર્યા છે. બંને ખેલાડીઓ 23 જુલાઈએ યોજાનારા સમારોહમાં ત્રિરંગો સાથે 126 સભ્યોના ભારતીય દળનું નેતૃત્વ કરશે.
મીરાબાઈ અને લવલીના ભારતની ધ્વજવાહક
IOA પ્રમુખ પીટી ઉષાએ આ નિર્ણયને સમગ્ર ભારતીય રમતજગત માટે ગર્વની ક્ષણ ગણાવી છે. તેમણે બંને ખેલાડીઓને અભિનંદન પાઠવતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે મીરાબાઈ અને લવલીના પોતાના પ્રદર્શનથી દેશનું ગૌરવ વધારશે તેમજ યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે. મહિલા ખેલાડીઓને ધ્વજવાહક બનાવવાનો નિર્ણય તેમની સિદ્ધિઓનું વિશેષ સન્માન છે.
ગ્લાસગોમાં ફરી ગોલ્ડ જીતવાનો મીરાબાઈનો લક્ષ્ય
મીરાબાઈ ચાનુ ભારતની સૌથી સફળ વેઇટલિફ્ટરોમાંની એક છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પેરિસ ઓલિમ્પિક 2024માં તે મેડલથી થોડા અંતરે રહી ગઈ હતી, પરંતુ ગ્લાસગોમાં ફરી ગોલ્ડ જીતવાનો તેનો લક્ષ્ય રહેશે.
https://x.com/IndiaSports/status/2078483733842424288?s=20
લવલીનાની નજર કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ પર
લવલીના બોર્ગોહેન પણ ભારતની સૌથી સફળ મહિલા બોક્સરોમાં સ્થાન ધરાવે છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 2023 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત, 2023 એશિયન ગેમ્સમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, કોમનવેલ્થ ગેમ્સમાં તે હજુ સુધી મેડલ જીતી શકી નથી અને આ વખતે તે આ અધૂરું સ્વપ્ન પૂરું કરવા ઉતરશે.
બંને ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા
ભારતીય ચાહકોને બંને ખેલાડીઓ પાસેથી ગ્લાસગોમાં શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે. મીરાબાઈ અને લવલીના માત્ર મેડલના મજબૂત દાવેદાર જ નથી, પરંતુ ભારતીય રમતજગતની નવી પેઢી માટે પ્રેરણાનું પ્રતિક પણ છે. હવે સમગ્ર દેશની નજર કોમનવેલ્થ ગેમ્સ 2026 પર રહેશે, જ્યાં ભારતીય ખેલાડીઓ વધુમાં વધુ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો - Lionel Messiના ફેન્સને મોટો ઝટકો! ફાઇનલ પહેલા જ ગોલ્ડન બૂટ જીતવાનું સપનું તૂટી જશે?