IPL 2027ની રિટેન્શન પ્રક્રિયા પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. ધોનીએ IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હવે તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. ધોનીની નિવૃત્તિના સમાચારથી ક્રિકેટ જગતમાં નિરાશા જોવા મળી રહી છે. ચાહકોથી લઈને પૂર્વ ક્રિકેટરો સુધી અનેક લોકોએ તેમને ભાવુક વિદાય આપી છે. આ દરમિયાન ભારતના 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પણ ધોની માટે ખાસ પોસ્ટ શેર કરી છે.

ધોનીની નિવૃત્તિ પર વૈભવની ભાવુક પોસ્ટ

17 નવેમ્બરે IPL 2027 માટે ખેલાડીઓની રિટેન્શન યાદી જાહેર થઈ હતી. તે પહેલાં મોટાભાગના ચાહકોને આશા હતી કે ધોની આગામી સિઝનમાં પણ મેદાન પર રમતા જોવા મળશે. ધોનીએ અગાઉ પણ સંકેત આપ્યો હતો કે તેઓ ચેન્નાઈમાં રમતા રમતા પોતાની IPL કારકિર્દીનો અંત લાવવા માગે છે.જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સે જાહેરાત કરી કે ધોની હવે ટીમમાં મેન્ટરની જવાબદારી સંભાળશે. ત્યારબાદ ધોનીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.ધોનીની આ જાહેરાત બાદ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વૈભવે ધોની સાથે મેદાન પર થયેલી પોતાની પહેલી મુલાકાતની જૂની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરમાં વૈભવ ધોનીના પગે લાગીને આશીર્વાદ લેતો જોવા મળ્યો હતો.વૈભવે આ તસવીર સાથે હાથ જોડવાનો ઇમોજી મૂકીને ધોનીને ભાવુક વિદાય આપી હતી. તેની આ પોસ્ટ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.

https://x.com/CricketCentrl/status/2122664318894587959?a=5JMwhA_2S0D0mFdkKtM&s=20


IPLના સૌથી સફળ કેપ્ટન રહ્યા મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની IPLના ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે. તેમણે પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત IPL ચેમ્પિયન બનાવી હતી. આ ઉપરાંત ધોનીની આગેવાનીમાં ટીમે 2 વખત ચેમ્પિયન્સ લીગ T20નો ખિતાબ પણ જીત્યો હતો.ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈએ 10 વખત IPLની ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને 12 વખત પ્લેઓફ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

ધોનીના IPL કરિયરના આંકડા

ધોનીએ પોતાની IPL કારકિર્દીમાં કુલ 278 મેચ રમી હતી. આ દરમિયાન તેમણે 5439 રન બનાવ્યા હતા. તેમનો સ્ટ્રાઇક રેટ 137.45 રહ્યો હતો. ધોનીએ IPLમાં 24 અડધી સદી ફટકારી હતી અને કુલ 264 છગ્ગા પણ લગાવ્યા હતા.ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની માત્ર IPLમાં જ રમતા હતા. હવે IPLમાંથી પણ વિદાય લીધા બાદ તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે નવી ભૂમિકામાં જોવા મળશે. તેમના અનુભવ અને માર્ગદર્શનનો લાભ હવે ટીમના યુવા ખેલાડીઓને મળશે.

આ પણ વાંચો- IND vs NZ: ભારત સામે 3 ફાસ્ટ બોલર સાથે ઉતરશે ન્યૂઝીલેન્ડ, આવી હોઈ શકે પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ 11