એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ભારતીય ટીમની શરૂઆત સારી રહી નથી.નેપાળ સામે પ્રથમ મેચમાં આસાન જીત મેળવ્યા બાદ ભારતને બીજી મેચમાં પાકિસ્તાન સામે 48 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.આ મેચમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.ખાસ કરીને મિડલ ઓર્ડરના બેટ્સમેનો રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.જોકે,આ દરમિયાન સૌથી વધુ ચર્ચા યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે.ટૂર્નામેન્ટની બંને મેચમાં તેનું બેટ શાંત રહ્યું છે.સતત નિરાશાજનક પ્રદર્શનને કારણે હવે તેની ફોર્મ અને ટીમમાં સ્થાનને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.
બંને મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ
વૈભવ સૂર્યવંશી માટે વર્ષ 2026 અત્યાર સુધી સારું રહ્યું છે.IPLમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેને ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું હતું.ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક પણ મળી હતી.જોકે ટીમમાં સિનિયર ઓપનરોની હાજરીને કારણે તેને મોટાભાગે પ્લેઇંગ-11ની બહાર બેસવું પડ્યું હતું.ત્યાર બાદ ઘરેલુ ક્રિકેટમાં સારા પ્રદર્શનથી વૈભવે ફરી પોતાની દાવેદારી મજબૂત બનાવી હતી.એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં પણ તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખવામાં આવી રહી હતી.પરંતુ અત્યાર સુધી તે અપેક્ષા પર ખરો ઊતરી શક્યો નથી.આ ટૂર્નામેન્ટમાં વૈભવ અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી રહ્યો છે.નેપાળ સામેની પ્રથમ મેચમાં તે માત્ર 26 રન બનાવીને આઉટ થયો હતો.આ દરમિયાન તેની બેટિંગમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળ્યો હતો.ત્યાર બાદ પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં પણ તે ખાસ કંઈ કરી શક્યો નહોતો. તેણે 13 બોલમાં માત્ર 11 રન બનાવ્યા હતા.બીજી તરફ અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતાં 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બંને ઓપનરોના પ્રદર્શનમાં મોટો તફાવત જોવા મળ્યો હતો.
