દુલીપ ટ્રોફી 2026-27ની ફાઇનલમાં ઈસ્ટ ઝોનના યુવા બેટર વૈભવ સૂર્યવંશી અને સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્મા વચ્ચે મેદાન પર ગરમાગરમી જોવા મળી હતી. શરૂઆતમાં બંને ખેલાડીઓ વચ્ચે મજાક અને સ્લેજિંગના અંદાજમાં વાતચીત ચાલી રહી હતી, પરંતુ થોડા સમય બાદ આ વાતચીત ઉગ્ર બની ગઈ હતી. સ્થિતિ એવી બની કે અમ્પાયરોએ બંને ખેલાડીઓ વચ્ચે આવીને મામલો શાંત કરવો પડ્યો.આ ઘટના ઈસ્ટ ઝોનની પ્રથમ ઇનિંગની 11મી ઓવરમાં બની હતી. સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્મા સતત વૈભવ સૂર્યવંશી સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે વૈભવને વાઇસ કેપ્ટન હોવાને લઈને સ્લેજ પણ કર્યો હતો.
વાતચીત બાદ વધી ગરમાગરમી
શરૂઆતમાં સામાન્ય લાગતી આ સ્લેજિંગ થોડા જ સમયમાં ઉગ્ર ચર્ચામાં ફેરવાઈ ગઈ. તિલક વર્મા વૈભવ તરફ આગળ વધ્યા હતા અને હાથના ઇશારાથી પંચ કરવાની નકલ કરતા જોવા મળ્યા હતા. વૈભવે પણ પાછળ હટવાને બદલે તેમનો સામનો કર્યો હતો.બંને ખેલાડીઓ વચ્ચે તણાવ વધતો જોઈને અમ્પાયરોએ તરત જ હસ્તક્ષેપ કર્યો હતો. અમ્પાયરોએ બંનેને અલગ કર્યા અને પરિસ્થિતિને વધુ ગંભીર બનતી અટકાવી હતી. મેદાન પર બનેલી આ ઘટનાએ ફાઇનલ દરમિયાન સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
