ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક ઈનિંગ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની આગાહી લખી હતી. તેણે કહ્યું હતું કે વૈભવ આગામી પાંચ વર્ષમાં ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 500 રન બનાવશે. પીટરસનની આ વાત સામાન્ય પ્રશંસા કરતાં ઘણી મોટી છે, કારણ કે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ બેટર એક ઈનિંગમાં 500 રન બનાવી શક્યો નથી.

UAE સામે 53 બોલમાં ફટકારી હતી 204 રન

પીટરસનની આ આગાહી પાછળ વૈભવની UAE સામેની વિસ્ફોટક બેટિંગ છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં ભારત-A તરફથી રમતા વૈભવે UAE સામે માત્ર 53 બોલમાં 204 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેણે માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને 52 બોલમાં બેવડી સદીનો આંકડો પાર કર્યો હતો. આ પ્રદર્શન સાથે વૈભવે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી અને બેવડી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ભારત-Aએ 250 રનના લક્ષ્યાંકનો પીછો માત્ર 14.2 ઓવરમાં પૂરો કરીને સાત વિકેટે જીત મેળવી હતી. આ જીતમાં વૈભવની એકલાની ભાગીદારી ટીમના કુલ સ્કોરના 80 ટકાથી પણ વધુ હતી.

https://x.com/KP24/status/2125879882148106546?a=QjhlGXDjOTEpEhvYRfo&s=20

બ્રાયન લારાનો રેકોર્ડ હજુ અકબંધ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટર બ્રાયન લારાના નામે છે. તેમણે 2004માં ઈંગ્લેન્ડ સામે અણનમ 400 રન બનાવ્યા હતા. જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ લારાના નામે જ 501 રનની અણનમ ઈનિંગનો રેકોર્ડ છે, જે તેમણે 1994માં વોરવિકશાયર તરફથી રમતા બનાવ્યો હતો. જો પીટરસનની આગાહી સાચી પડે અને વૈભવ ટેસ્ટમાં 500 રન બનાવે, તો તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં નવો અધ્યાય લખશે. જોકે, અત્યારે આ માત્ર પીટરસનની આગાહી છે, કોઈ નિશ્ચિત પરિણામ નહીં.

સેમિફાઇનલમાં વૈભવ 40 રન બનાવીને આઉટ

UAE સામેની ઐતિહાસિક ઈનિંગ બાદ વૈભવ શ્રીલંકા-A સામેની સેમિફાઇનલમાં પણ મેદાનમાં ઉતર્યો હતો. જોકે, આ વખતે તે મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. તેણે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા, જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થતો હતો. જનિત લિયાનાગેની બોલિંગમાં લસિથ ક્રૂસપુલેએ તેનો કેચ પકડ્યો હતો.

15 વર્ષના વૈભવે ટૂંકા સમયમાં પોતાની આક્રમક બેટિંગથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. હવે પીટરસનની 500 રનની આગાહી બાદ તેની ટેસ્ટ કારકિર્દી અને લાંબા ફોર્મેટમાં તેની ક્ષમતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો: ક્રિકેટ બાદ હવે ઈ-સ્પોર્ટ્સમાં MS Dhoniનો દમ! ‘માહી ક્લચર્સ’ની એન્ટ્રી, આ 7 ટીમો સામે થશે ટક્કર