ક્રિકેટમાં સદી અને બેવડી સદીની ઉજવણી તો ઘણી વખત જોવા મળે છે, પરંતુ કેટલીક ક્ષણો સ્કોરબોર્ડથી આગળ વધીને સીધી દિલ સુધી પહોંચે છે. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે સેન્ચુરિયનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં આવો જ એક સુંદર નજારો જોવા મળ્યો. દક્ષિણ આફ્રિકાના બેટર માર્ક્સ એકરમેને આક્રમક બેટિંગ કરીને 150 રન પૂરા કર્યા હતા. જોકે, તેની ઇનિંગ્સનો અંત આવ્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર તેના નાનકડા દીકરા જેકે જે કર્યું તે સૌનું ધ્યાન ખેંચી ગયું. પિતા મેદાન છોડીને જઈ રહ્યા હતા ત્યારે લગભગ બે વર્ષનો જેક ખુશીથી તાળીઓ પાડતો જોવા મળ્યો. આ ક્ષણનો વીડિયો સામે આવ્યા બાદ ક્રિકેટપ્રેમીઓ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

150 રન કરીને પેવેલિયન પરત ફર્યા એકરમેન

દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્કમાં રમાઈ રહી છે. મેચના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાના ઓપનર માર્ક્સ એકરમેને શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 138 બોલમાં 150 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગ્સમાં 23 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો હતો. એકરમેનની આ સતત બીજી ટેસ્ટ સદી હતી. આ પહેલાં તેણે જોહાનિસબર્ગમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 157 રનની ઇનિંગ્સ રમી હતી. બીજી ટેસ્ટમાં પણ તેણે પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી અને બાંગ્લાદેશના બોલરો પર દબાણ બનાવ્યું હતું. તે માત્ર 137 બોલમાં 150 રન સુધી પહોંચી ગયો હતો, જે દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રનનો રેકોર્ડ બન્યો હતો.

https://x.com/Rajiv1841/status/2125232247884460226?a=vP0TkepBe7mDbPRUY-8&s=20

દીકરાએ તાળીઓ પાડીને કર્યું પિતાનું અભિવાદન

એકરમેનની શાનદાર ઇનિંગ્સનો અંત પણ ખાસ રીતે આવ્યો હતો. શોરિફુલ ઇસ્લામના બોલ પર તે LBW આઉટ થયો હતો. અમ્પાયરના નિર્ણય સામે તેણે રિવ્યૂ પણ લીધો, પરંતુ નિર્ણય તેની વિરુદ્ધ જ રહ્યો. આ રીતે 150 રન બનાવીને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું. જોકે, મેદાન છોડતી વખતે એકરમેન માટે એક ખાસ નજારો રાહ જોઈ રહ્યો હતો. સ્ટેન્ડમાં હાજર તેનો લગભગ બે વર્ષનો દીકરો જેક પિતાને જોઈને તાળીઓ પાડતો હતો. નાનકડા જેકની આ ખુશી કેમેરામાં કેદ થઈ ગઈ. પિતાની સિદ્ધિ પર દીકરાની આ પ્રતિક્રિયાએ ક્રિકેટપ્રેમીઓનાં દિલ જીતી લીધાં છે.

ટેસ્ટ કારકિર્દીની શાનદાર શરૂઆત

માર્ક્સ એકરમેન માટે બાંગ્લાદેશ સામેની આ શ્રેણી યાદગાર રહી છે. પ્રથમ ટેસ્ટમાં 157 રન બનાવ્યા બાદ બીજી ટેસ્ટમાં પણ તેણે 150 રનની ઇનિંગ્સ રમી. આ સાથે તેણે સતત બે ટેસ્ટમાં સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ એકરમેનની આગેવાનીમાં મજબૂત શરૂઆત કરી હતી. બીજા દિવસના લંચ સુધી દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટે 228 રન બનાવી લીધા હતા અને તેની લીડ 137 રનની થઈ ગઈ હતી.

આ પણ વાંચો: IND VS UAE: પહેલા મેદાનમાં બબાલ, પછી ખેલદિલી! અભિષેક શર્માએ ઇબરાર અહમદ સાથે શું કર્યું?