England ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ મેદાનની બહાર પણ ખતમ થવાનું નામ લઈ રહી નથી. પાકિસ્તાન સામેની ટેસ્ટ સીરિઝ વચ્ચે ઝડપી બોલર બ્રાયડન કાર્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોલીસની હથકડીમાં જેવા મળી રહ્યો છે. આ ઘટના બાદ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે મામલાની તપાસ શરૂ કરી છે. વીડિયોમાં કાર્સને ડર્બીના એક નાઈટ ક્લબની બહાર પોલીસ અધિકારીઓ વચ્ચે લઈ જતા જોવા મળે છે.

 કાર્સ ટીમના સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરવા પહોંચ્યો હતો

કાર્સ પાકિસ્તાન સામેની ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો ભાગ છે, પરંતુ પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળ્યા બાદ તેને ડરહામ માટે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમવાની મંજૂરી આપવામાં આવી હતી. ડરહામે ડર્બીશાયરને ત્રણ દિવસમાં હરાવી દીધું હતું. કાર્સે મેચમાં 26 રન બનાવ્યા હતા અને બોલિંગમાં કુલ બે વિકેટ લીધી હતી. મેચ પૂર્ણ થયા બાદ તે ટીમના સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરવા પહોંચ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી.

વીડિયોમાં કાર્સના હાથ પાછળની તરફ હથકડીથી બંધાયેલા જોવા મળી

સોશિયલ મીડિયા પર સામે આવેલા એક નાના વીડિયોમાં કાર્સના હાથ પાછળની તરફ હથકડીથી બંધાયેલા જોવા મળે છે. તે પોતાના ડરહામ ટીમમેટ મેથ્યુ પોટ્સ સાથે વાત કરતો નજરે પડે છે. ઇંગ્લેન્ડના પૂર્વ ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ પણ વીડિયોના પાછળના ભાગમાં જોવા મળે છે. જોકે, ઘટના પાછળનું કારણ અને પોલીસે કાર્સને કઈ પરિસ્થિતિમાં કસ્ટડીમાં લીધો તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. ECBએ રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે અમને ડર્બીમાં ગઈ રાત્રે બનેલી એક ઘટનાની જાણકારી છે અને અમે હાલમાં તેની તપાસ કરી રહ્યા છીએ. જ્યારે શક્ય બનશે ત્યારે અમે વધુ માહિતી આપીશું. ડર્બીશાયર પોલીસ પાસેથી પણ આ મામલે પ્રતિક્રિયા માંગવામાં આવી છે, જ્યારે ડરહામે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

કાંડા અને કોણીની ઈજાના કારણે તે ન્યૂઝીલેન્ડ સીરિઝમાંથી બહાર રહ્યો કાર્સ

કાર્સ માટે આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તે લાંબા સમય બાદ ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં વાપસીની તૈયારી કરી રહ્યો હતો. છેલ્લી એશિઝમાં તે ઇંગ્લેન્ડનો સૌથી સફળ બોલર રહ્યો હતો, પરંતુ આ સમરમાં અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યો નથી. કાંડા અને કોણીની ઈજાના કારણે તે ન્યૂઝીલેન્ડ સીરિઝમાંથી બહાર રહ્યો હતો. ત્યારબાદ ભારત સામેની ODI સીરિઝ માટે તેને મોડેથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને ધ હન્ડ્રેડમાં સનરાઇઝર્સ લીડ્સ માટે ફિટનેસ સાબિત કર્યા બાદ પાકિસ્તાન સામેની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું.

કાર્સે ECBના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતો ખેલાડી

કાર્સે સોમવારે લંડનમાં ટેસ્ટ ટીમ સાથે ફરી જોડાવાનું હતું અને લોર્ડ્સમાં બીજા ટેસ્ટ પહેલાં બે દિવસ પ્રેક્ટિસ કરવાની હતી. જોકે, હવે તેની ટીમમાં વાપસી પર પણ સવાલો ઊભા થયા છે. ખાસ વાત એ છે કે ઘટના સમયે કાર્સ આંતરરાષ્ટ્રીય ડ્યૂટી પર નહોતો, પરંતુ તે ECBના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતો ખેલાડી છે. આવી સ્થિતિમાં આ મામલો બોર્ડ માટે ખાસ્સો અસહજ બની ગયો છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ