ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન એક મજેદાર ઘટના સામે આવી છે. મેચના પાંચમા દિવસે સ્ટેડિયમમાં પ્રવેશ મફત રાખવામાં આવ્યો હતો. આ તકનો લાભ લેવા માટે કેટલાક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પહોંચી ગયા હતા. ખાસ વાત એ હતી કે આ બાળકો સ્કૂલ બંક કરીને અને માતા-પિતાને જાણ કર્યા વગર મેચ જોવા આવ્યા હતા. જોકે, સ્ટેડિયમમાં લાગેલા કેમેરાએ તેમને પકડી પાડ્યા હતા. કેમેરામાં દેખાતાં જ બાળકોએ પોતાના મોઢા છુપાવવાનું શરૂ કરી દીધું હતું.
સ્કૂલ બંક કરીને મેચ જોવા પહોંચ્યા બાળકો
વેલિંગ્ટન ટેસ્ટના પાંચમા દિવસે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા દર્શકો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી. સામાન્ય રીતે ટેસ્ટ ક્રિકેટમાં દર્શકોની સંખ્યા ઓછી જોવા મળે છે, પરંતુ મફત પ્રવેશની જાહેરાત બાદ મોટી સંખ્યામાં લોકો મેચ જોવા પહોંચ્યા હતા.આ દરમિયાન સ્કૂલ યુનિફોર્મ પહેરેલા કેટલાક બાળકો પણ સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. તેઓ સ્કૂલમાં જવાના બદલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચનો આનંદ માણવા પહોંચી ગયા હતા. એટલું જ નહીં, તેમણે આ અંગે પોતાના માતા-પિતાને પણ જાણ કરી નહોતી.
https://www.instagram.com/reel/DgEDvHJh4GE/?utm_source=ig_web_copy_link&lqvp=NTc4MTIwNjQ2YQ==
કેમેરો જોતાં જ મોઢું છુપાવવા લાગ્યા
મેચના પાંચમા દિવસે ટોમ બ્લંડેલ અને ડેરિલ મિચેલ ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવી હતી અને ભારતીય બોલરો નવી બોલથી લગભગ 9 ઓવર દૂર હતા. આ દરમિયાન ટીવી કેમેરાની નજર સ્કૂલ યુનિફોર્મમાં બેઠેલા બાળકો પર પડી હતી.કેમેરામાં પોતાને જોઈને બાળકો ગભરાઈ ગયા હતા. તેમણે તરત જ હાથથી પોતાનો ચહેરો છુપાવવાનું શરૂ કરી દીધું હતું. તેમના હાવભાવ જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તેમને ડર હોય કે આ વીડિયો તેમના માતા-પિતા સુધી ન પહોંચી જાય.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો મજેદાર વીડિયો વાયરલ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો સાથે મજેદાર કેપ્શન પણ લખવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે બાળકો રંગેહાથ ઝડપાઈ ગયા છે. આશા છે કે તેમની માતા આ વીડિયો નહીં જોઈ રહી હોય.ન્યૂઝીલેન્ડ ક્રિકેટની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. બાળકોની પ્રતિક્રિયા જોઈને ક્રિકેટ ચાહકો પણ હસવાનું રોકી શક્યા નહોતા.
ક્રિકેટ માટેનો પ્રેમ જોવા મળ્યો
મેચના પાંચમા દિવસે માત્ર સ્કૂલના બાળકો જ નહીં, પરંતુ ઓફિસમાં કામ કરતા કેટલાક લોકો પણ ફ્રી એન્ટ્રીનો લાભ લઈને સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. આ દૃશ્ય દર્શાવે છે કે ન્યૂઝીલેન્ડમાં પણ ટેસ્ટ ક્રિકેટ માટે લોકોમાં કેટલો ઉત્સાહ છે. ફ્રી એન્ટ્રીના કારણે સ્ટેડિયમમાં અલગ જ માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો- IND vs NZ 1st Test : ભારતની જીતની આશા પર ફરી વળ્યું પાણી, વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો