ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ 2019 વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હારને લઈને મોટો ખુલાસો કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે પહેલાં જિયોસ્ટાર સાથેની વાતચીત દરમિયાન કોહલીએ પોતાના ક્રિકેટ કરિયરના આ મુશ્કેલ સમયને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે 2019 વર્લ્ડ કપની હારને સ્વીકારવી તેમના માટે ખૂબ મુશ્કેલ હતી અને આ પરિણામમાંથી બહાર આવવામાં તેમને ઘણા મહિના લાગ્યા હતા. 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હાર મળી હતી. વરસાદના કારણે આ મુકાબલો 2 દિવસ સુધી ચાલ્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 239/8 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 221 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતની ટોપ બેટિંગ ક્રમ નિષ્ફળ ગઈ
ભારત માટે આ મેચની શરૂઆત જ મુશ્કેલ રહી હતી.ન્યૂઝીલેન્ડના ઝડપી બોલરોએ ભારતીય ટોચના બેટિંગ ક્રમને શરૂઆતના ઓવરોમાં જ મુશ્કેલીમાં મૂકી દીધો હતો.વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ માત્ર 1-1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.ત્યારબાદ એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ ભારતીય ટીમને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો.બંને વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી પણ થઈ હતી,પરંતુ ભારત અંતે લક્ષ્યથી 18 રન દૂર રહી ગયું હતું.ન્યૂઝીલેન્ડે આ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.કોહલીએ કહ્યું કે આ હારનો તેમના પર લાંબા સમય સુધી અસર રહી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, પરિણામને સ્વીકારવું સરળ નહોતું અને આગામી કેટલાક મહિનાઓ સુધી તેઓ આ હારને ભૂલી શક્યા નહોતા.
કોહલીએ મેચને લઈ શુ કહ્યું
કોહલીએ મેચમાં વરસાદના કારણે આવેલા વિરામનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના મતે, મેચ રોકાયા બાદ બીજા દિવસે ન્યૂઝીલેન્ડના બોલરોને નવી બોલ સાથે બોલિંગ કરવાની તક મળી હતી અને તેમણે પરિસ્થિતિનો સારી રીતે લાભ લીધો હતો. કોહલીના જણાવ્યા પ્રમાણે, જો મેચ એ જ દિવસે પૂરી થઈ હોત તો પરિસ્થિતિ અલગ હોઈ શકતી હતી. જોકે, બીજા દિવસે ન્યૂઝીલેન્ડે નવી બોલ સાથે શાનદાર બોલિંગ કરી હતી.
2023 વર્લ્ડ કપની હાર પણ યાદ કરી
વિરાટ કોહલીએ 2023 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારને પણ યાદ કરી હતી. ભારતે ટૂર્નામેન્ટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.કોહલી તે મેચમાં 54 રન બનાવીને આઉટ થયા હતા. તેમણે જણાવ્યું કે તે સમયે તેમને લાગતું હતું કે તેઓ મોટી ઇનિંગ રમી શકે છે, પરંતુ આઉટ થયા બાદ ટીમની હારને સ્વીકારવી તેમના માટે ઘણા દિવસો સુધી મુશ્કેલ રહી હતી.જોકે, કોહલીએ 2023 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમના વાતાવરણની પ્રશંસા કરી હતી. તેમણે ટીમના ખેલાડીઓ વચ્ચેના સારા સંબંધો અને એકબીજા માટે રમવાની ભાવનાને ખાસ ગણાવી હતી.
2027 વર્લ્ડ કપ હશે અંતિમ તક
વિરાટ કોહલીએ પોતાના વર્લ્ડ કપ ભવિષ્ય અંગે પણ સ્પષ્ટતા કરી છે. 2027માં યોજાનારો વનડે વર્લ્ડ કપ તેમના માટે છેલ્લો વર્લ્ડ કપ હશે. કોહલી માટે 2019 અને 2023ની હાર તેમના વર્લ્ડ કપ સફરના મહત્વપૂર્ણ પ્રસંગો બની રહ્યા છે.હવે તેમની નજર 2027 વર્લ્ડ કપ પર છે. કોહલીએ જણાવ્યું છે કે આગામી વર્લ્ડ કપ માટેની તેમની પ્રેરણામાં આ ટૂર્નામેન્ટ ખાસ સ્થાન ધરાવે છે અને તે તેને જીતવા માટે પોતાનું સર્વસ્વ આપવા માગે છે.આ રીતે, 2019 અને 2023ની હારની યાદો વચ્ચે કોહલી હવે 2027ના વર્લ્ડ કપ તરફ આગળ વધી રહ્યા છે. ભારત માટે આગામી વર્લ્ડ કપ કોહલીની વનડે કારકિર્દીના અંતિમ વર્લ્ડ કપ તરીકે પણ ખાસ બની શકે છે.
આ પણ વાંચો - IND vs WI 1st ODI Live : વેસ્ટ ઇન્ડીઝની શાનદાર શરૂઆત, 6 ઓવરમાં 50 રનને પાર