વિરાટ કોહલીએ 2027 વનડે વર્લ્ડ કપને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર 2027માં યોજાનારો વનડે વર્લ્ડ કપ તેમના માટે અંતિમ વિશ્વકપ ટૂર્નામેન્ટ હશે. 2011માં વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહેલા કોહલી હવે પોતાની કારકિર્દીના અંતિમ વર્લ્ડ કપમાં સંપૂર્ણ શક્તિ સાથે રમવા માગે છે.2027નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની યજમાનીમાં રમાશે. મોટાભાગની મેચ દક્ષિણ આફ્રિકામાં યોજાવાની છે. દક્ષિણ આફ્રિકામાં કોહલીનો વનડે રેકોર્ડ પણ નોંધપાત્ર રહ્યો છે અને અહીં તેની બેટિંગ સરેરાશ 76.38ની રહી છે.
‘પૂરી જાન લગાવી દઈશ’
વિરાટ કોહલીએ 2027ના વર્લ્ડ કપ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિદેશી પરિસ્થિતિમાં રમાતો વર્લ્ડ કપ ઘણો પડકારજનક હોય છે અને તેમાં ઘણી ઊર્જા તથા મહેનતની જરૂર પડે છે.કોહલીએ જણાવ્યું કે આ તેમનો અંતિમ વર્લ્ડ કપ હશે અને આ વાત જ તેમના માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે. તેમણે કહ્યું કે તેઓ આ ટૂર્નામેન્ટમાં પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દેશે.કોહલી માટે 2027નો વર્લ્ડ કપ કુલ 5મો વનડે વર્લ્ડ કપ હશે. તેમણે અત્યાર સુધી 2011, 2015, 2019 અને 2023ના વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
2011 અને 2023માં રમ્યા વર્લ્ડ કપ ફાઇનલ
વિરાટ કોહલી પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી 2 વનડે વર્લ્ડ કપની ફાઇનલ રમી ચૂક્યા છે. 2011માં શ્રીલંકા સામેની ફાઇનલમાં તેણે 35 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.2023માં પણ ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી.ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાઇનલમાં કોહલીએ 54 રન બનાવ્યા હતા. જોકે, ભારતીય ટીમ આ મેચ 6 વિકેટે હારી ગઈ હતી.હવે 2027માં કોહલી ફરી એકવાર વિશ્વકપના મંચ પર જોવા મળશે. આ વખતે તે પોતાની કારકિર્દીના અંતિમ વિશ્વકપને યાદગાર બનાવવા માગે છે.
50 ઓવરની ક્રિકેટને ગણાવી અલગ પડકાર
કોહલીએ 50 ઓવરના ફોર્મેટની મુશ્કેલી વિશે પણ વાત કરી હતી. તેમના મતે એક વનડે મેચ રમવી પોતાના શરીર અને મન માટે અલગ પ્રકારનો પડકાર છે.તેમણે સમજાવ્યું કે એક વનડે મેચમાં લાંબા સમય સુધી બેટિંગ,ફિલ્ડિંગ અને સતત ધ્યાન જાળવવું પડે છે.સમગ્ર વિશ્વકપ દરમિયાન આવી અનેક મેચ રમવાની હોવાથી ખેલાડીઓ માટે આ એક મોટો પડકાર બની જાય છે.
વર્લ્ડ કપમાં 2000 રનથી માત્ર 205 રન દૂર
વિરાટ કોહલી વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે.અત્યાર સુધી તેણે વર્લ્ડ કપની 37 ઇનિંગ્સમાં 1795 રન બનાવ્યા છે. તેના નામે 5 સદી અને 12 અડધી સદી છે.હવે 2027ના વર્લ્ડ કપમાં કોહલી વધુ 205 રન બનાવે તો તે વર્લ્ડ કપમાં 2000 રન પૂરા કરનાર માત્ર બીજો બેટર બની શકે છે.હાલ આ સિદ્ધિ માત્ર સચિન તેંડુલકરના નામે છે.સચિને વર્લ્ડ કપની 44 ઇનિંગ્સમાં કુલ 2278 રન બનાવ્યા હતા.આ રીતે 2027નો વર્લ્ડ કપ વિરાટ કોહલી માટે અનેક કારણોસર ખાસ બની શકે છે. એક તરફ તે પોતાના અંતિમ વિશ્વકપમાં રમશે, તો બીજી તરફ તેની પાસે વર્લ્ડ કપમાં 2000 રનનો આંકડો પાર કરવાની તક પણ રહેશે.
આ પણ વાંચો - Vinod Kambli Viral Video : પૂર્વ ક્રિકેટરને વૃદ્ધાશ્રમમાં જોઈ ભાવુક થયા ફેન્સ