વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં વિરાટ કોહલીએ શાનદાર 139 રનની ઇનિંગ રમીને ફરી એકવાર પોતાની બેટિંગનો દમ બતાવ્યો. આ ઇનિંગ બાદ કોહલી પાસે ઉજવણી કરવાનું કારણ ચોક્કસ હતું, પરંતુ તેનું ધ્યાન કોઈ નવા રેકોર્ડ કે માઇલસ્ટોન પર નહોતું. કોહલીએ મેચ બાદ પોતાના રમત, ફિટનેસ અને ભવિષ્યના લક્ષ્યો વિશે ખુલ્લા મનથી વાત કરી હતી.કોહલીએ સ્પષ્ટ કર્યું કે તેઓ ક્યારેય વ્યક્તિગત રેકોર્ડને ધ્યાનમાં રાખીને મેદાનમાં ઉતરતા નથી. તેમનું મુખ્ય ધ્યાન મેચની પરિસ્થિતિ સમજવા અને ટીમ માટે જરૂરી યોગદાન આપવા પર રહે છે. લાંબા સમય સુધી ભારત માટે રમવાની તક મળી તે બદલ તેમણે આભાર પણ વ્યક્ત કર્યો હતો.
રમતને વધુ એક-બે ગિયર ઉપર લઈ જવાનો પડકાર
કોહલીના જણાવ્યા પ્રમાણે કારકિર્દીના આ તબક્કે તેમની સામે પોતાના રમતના સ્તરને વધુ એક-બે ગિયર ઉપર લઈ જવાનો પડકાર છે. તેમના માટે રમતનું નવું રૂપ વિકસાવવું રસપ્રદ છે. ભારત માટે રમતી વખતે હોય કે IPLમાં, તેઓ સતત પોતાના પ્રદર્શનમાં સુધારો કરવા માગે છે.139 રનની ઇનિંગ દરમિયાન પણ કોહલીની બેટિંગમાં આક્રમકતા જોવા મળી હતી. તેમણે ઝડપી રન બનાવવાની સાથે બાઉન્ડ્રી અને છગ્ગા ફટકારીને વેસ્ટ ઈન્ડિઝના બોલરો પર દબાણ બનાવ્યું હતું.
ફિટનેસ સાથે મનને પણ તાજું રાખવું જરૂરી
કોહલીએ ફિટનેસ અંગે પણ મહત્વની વાત કરી હતી. તેમના મતે સારા પ્રદર્શન માટે માત્ર શરીરને ફિટ રાખવું પૂરતું નથી, પરંતુ મનને પણ તાજું અને સ્પષ્ટ રાખવું જરૂરી છે.તેમણે જણાવ્યું કે જ્યારે મન શાંત અને સ્પષ્ટ હોય ત્યારે ખેલાડી પોતાની ક્ષમતાને મેદાન પર વધુ સારી રીતે રજૂ કરી શકે છે. તેથી તેઓ શારીરિક તૈયારીની સાથે માનસિક રીતે પણ પોતાને તૈયાર રાખવા પર ધ્યાન આપી રહ્યા છે.
https://x.com/BCCI/status/2104245785491882014?s=20
વર્લ્ડ કપ માટે તૈયારી શરૂ
કોહલીએ આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારી અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે વર્લ્ડ કપ હજુ લગભગ એક વર્ષ દૂર છે અને તેમને પોતાના લક્ષ્ય વિશે સ્પષ્ટતા છે. આ માટે તેઓ રમતના અલગ-અલગ પાસાં પર કામ કરી રહ્યા છે.મેદાન પર ઝડપ જાળવવી, રન માટે સતત દોડવું અને પોતાની એનર્જી જાળવી રાખવી તેમની તૈયારીનો ભાગ છે. કોહલીનો ભાર માત્ર મોટી ઇનિંગ રમવા પર નહીં, પરંતુ દરેક દિવસે પોતાની રમતને વધુ સારી બનાવવા પર છે.
ભારત માટે રમવાનું આજે પણ ખાસ
વિરાટ કોહલીએ ભારત માટે રમવાના મહત્વ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે દેશ માટે રમવાની તક દરેક ખેલાડીને મળતી નથી, તેથી જ્યારે પણ તેઓ ભારતની જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે ત્યારે બહારની બાબતોને બાજુ પર રાખીને સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત કરવા માગે છે.તેમના માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવું આજે પણ એટલું જ ખાસ છે. મેદાન પર ઉતર્યા બાદ તેઓ ટીમ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે.
શુભમન ગિલ સાથે બેટિંગ અંગે શું કહ્યું?
શુભમન ગિલ સાથેની ભાગીદારી અંગે પણ કોહલીએ પોતાની વાત જણાવી હતી. તેમના મતે ગિલ જેવા ખેલાડી સાથે બેટિંગ કરવી મુશ્કેલ નથી. બંને વચ્ચે સતત વાતચીત કરવાની પણ ખાસ જરૂર પડતી નથી.કોહલીનું માનવું છે કે ટીમમાં રહેલા ખેલાડીઓની ક્ષમતાને ઓળખવી અને તેનો યોગ્ય ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. ગિલ સાથેની ભાગીદારીમાં પણ બંને ખેલાડીઓએ એકબીજાની રમતને સારી રીતે સમજતા ભારતને લક્ષ્યાંક સુધી પહોંચાડ્યું હતું.
આ પણ વાંચો - Asian Games 2026 : એક પણ બોલ રમ્યા વિના પાકિસ્તાન સીધી સેમિફાઇનલમાં, જાણો નિયમ