ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ હવે મેદાનની બહાર નવી ઇનિંગ શરૂ કરી છે. 37 વર્ષીય કોહલીએ પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. અહીં કરેલી પોતાની પ્રથમ પોસ્ટમાં તેમણે ભારતને એવું બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યાં દરેક રમતને પ્રોત્સાહન મળે અને ભારતીય ખેલાડીઓની સાથે દેશની સ્પોર્ટ્સ બ્રાન્ડ્સ પણ વૈશ્વિક સ્તરે ઓળખ મેળવે.

LinkedIn પર પ્રથમ પોસ્ટમાં શું કહ્યું?

વિરાટ કોહલીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેઓ હંમેશાં એવું ભારત જોવા માગતા હતા, જ્યાં દરેક રમત રમવામાં આવે, તેને અનુસરવામાં આવે અને તેની ઉજવણી થાય. તેમના મતે, નવી પેઢીના ખેલાડીઓ સાબિત કરી રહ્યા છે કે ભારત વિશ્વસ્તરીય એથ્લેટ્સ તૈયાર કરવાની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની બ્રાન્ડ્સ પણ સ્થાપિત કરી શકે છે. કોહલીએ ભારતમાંથી જ એક એવું સંપૂર્ણ સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ઊભું કરવાનું વિઝન રજૂ કર્યું છે, જેમાં ઉત્પાદન, કન્ઝ્યુમર બ્રાન્ડ્સ અને સ્પોર્ટ્સ ડિસ્ટ્રિબ્યુશનનો સમાવેશ થાય. તેમનો ઉદ્દેશ માત્ર વૈશ્વિક રમતગમતનો હિસ્સો બનવાનો નહીં, પરંતુ તેના ભવિષ્યને ઘડવામાં ભારતની ભૂમિકા મજબૂત કરવાનો છે. 

Agilitasમાં ₹40 કરોડનું રોકાણ

કોહલીએ પોતાની બિઝનેસ સફર વિશે પણ માહિતી આપી છે. તેઓ Agilitas Sportsમાં રોકાણકાર છે અને one8worldના કો-ફાઉન્ડર તથા કો-ક્રિએટર તરીકે જોડાયા છે. અહેવાલો અનુસાર, તેમણે Agilitasમાં ₹40 કરોડનું રોકાણ કરીને કંપનીમાં 1.94% હિસ્સો મેળવ્યો છે. Agilitasની સ્થાપના 2023માં પુમા ઇન્ડિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અભિષેક ગાંગુલી અને તેમના સહયોગીઓએ કરી હતી. કંપની સ્પોર્ટ્સવેરનું ઉત્પાદન, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, બ્રાન્ડ નિર્માણ અને વેચાણ-વિતરણ સહિતના ક્ષેત્રોમાં કામ કરે છે.

Puma સાથેના કરાર બાદ બિઝનેસમાં નવો રસ્તો

વિરાટ કોહલી અગાઉ Puma સાથે લાંબા સમય સુધી જોડાયેલા હતા. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે Puma તરફથી મળેલી અંદાજે ₹300 કરોડના 8 વર્ષના કરારના નવીનીકરણની ઓફર સ્વીકારવાને બદલે Agilitasમાં રોકાણ અને પોતાની બ્રાન્ડના વિકાસનો માર્ગ પસંદ કર્યો હતો. કોહલીના જણાવ્યા મુજબ, one8નો આધાર નવી સીમાઓ સર કરવા, ધોરણો ઊંચાં લઈ જવા અને અલગ રીતે વિચારવાની માન્યતા પર છે. હવે તેઓ આ બ્રાન્ડને આંતરરાષ્ટ્રીય બજારમાં ઓળખ અપાવવા અને પોતાના ક્રિકેટિંગ અનુભવનો ઉપયોગ સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સના વિકાસમાં કરવા માગે છે.

ક્રિકેટથી આગળ લાંબા ગાળાનું વિઝન

વિરાટ કોહલીની આ નવી પહેલ તેમની રમતગમતની કારકિર્દીથી આગળની યોજના દર્શાવે છે. તેઓ માત્ર એક ખેલાડી તરીકે નહીં, પરંતુ ભારતીય સ્પોર્ટ્સ ઉદ્યોગના વિકાસમાં ભાગીદાર તરીકે પણ પોતાની ઓળખ મજબૂત કરવા માગે છે. તેમની યોજના ભારતીય બ્રાન્ડ્સને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવવાની છે. 

આ પણ વાંચો: World Cup 2027: ભારત સહિત આ 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે ! શોન પોલોકે કરી આગાહી