ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટર વીરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીર સેહવાગે U-19 એશિયા કપમાં પોતાની બેટિંગથી ધમાલ મચાવી છે. UAE સામે રમાયેલી મહત્ત્વની મેચમાં આર્યવીરે 168 બોલમાં 160 રન ફટકારીને ભારતને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું. તેના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે UAEને 70 રનથી હરાવ્યું અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. પાકિસ્તાન સામેની હાર બાદ ભારત માટે આ મેચ જીતવી જરૂરી હતી. હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. 

શરૂઆતમાં ધીરજ, પછી બેટિંગમાં તોફાન

આર્યવીરે પોતાની ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ સાવચેતીથી કરી હતી. તેણે પ્રથમ 14 બોલમાં એક પણ રન બનાવ્યો નહોતો. ત્યાર બાદ ધીમે-ધીમે લય મેળવીને UAEના બોલરો સામે રન બનાવવાનું શરૂ કર્યું. તેણે 69 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યાર બાદ પણ તેણે વિકેટ જાળવી રાખીને ઇનિંગ્સ આગળ વધારી. આર્યવીરે 131 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સદી બાદ તેની બેટિંગમાં આક્રમકતા જોવા મળી હતી. તેણે પોતાની છેલ્લી 60 રન માત્ર 37 બોલમાં બનાવ્યા હતા. તેની 160 રનની ઇનિંગ્સમાં 17 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. તે નસીમ ખાનની બોલિંગમાં મિડવિકેટ પર કેચ આઉટ થયો હતો. 

વિનીત સાથે 193 રનની ભાગીદારી

ભારતના કેપ્ટન લક્ષ્ય રાયચંદાની 17 રન બનાવીને આઉટ થયા બાદ આર્યવીરને વીકે વિનીતનો સાથ મળ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે 193 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. વિનીતે 69 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ ભાગીદારીના કારણે ભારતનો સ્કોર મજબૂત બન્યો હતો. આર્યવીર અને વિનીત સિવાય અન્ય બેટર્સ મોટો સ્કોર કરી શક્યા નહોતા. જોકે, બંનેની ભાગીદારીએ ભારતને 50 ઓવરમાં 7 વિકેટે 309 રન સુધી પહોંચાડ્યું હતું. આ ટુર્નામેન્ટનો તે સમય સુધીનો સૌથી મોટો સ્કોર પણ હતો. 

UAEની લડત છતાં ભારતનો વિજય

310 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમ ભારતીય બોલિંગ સામે દબાણમાં આવી ગઈ હતી. જોકે, અહમદ ખુદાદાદે 74 રનની ઇનિંગ્સ રમીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 74 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. નૂરુલ્લાહ આયોબીએ પણ 39 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ઇશાન સૂદે શાનદાર બોલિંગ કરતાં 37 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શનના કારણે UAEની ટીમ 50 ઓવરમાં 239 રન સુધી જ પહોંચી શકી હતી. ભારતે આ મુકાબલો 70 રનથી જીતી લીધો હતો. 

હવે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે ટક્કર

પાકિસ્તાન સામેની હાર બાદ ભારત માટે UAE સામે જીત મેળવવી જરૂરી હતી. આર્યવીરની મોટી ઇનિંગ્સ અને બોલરોના સારા પ્રદર્શનથી ટીમે ટુર્નામેન્ટમાં વાપસી કરી છે. હવે ભારત U-19 એશિયા કપની સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે રમશે.

આર્યવીર માટે આ ઇનિંગ્સ ખાસ છે. તેણે ટુર્નામેન્ટની શરૂઆત નેપાળ સામે અણનમ 70 રન બનાવીને કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાન સામે 22 રન બનાવ્યા હતા અને હવે UAE સામે 160 રનની ઇનિંગ્સ રમી છે. પિતા વીરેન્દ્ર સેહવાગની આક્રમક બેટિંગની ઓળખ વચ્ચે આર્યવીરે પોતાની અલગ શૈલી પણ બતાવી છે. 

આ પણ વાંચો: PAK VS SL: ડેબ્યૂ કરનારા ખેલાડીઓએ મચાવ્યો ધમાલ, પાકિસ્તાને શ્રીલંકાને બેકફૂટ પર ધકેલ્યું