વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લીગ (WCL) 2026માં ભારતીય ટીમ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચમાં વિજય મેળવ્યા બાદ યુવરાજ સિંહની આગેવાની હેઠળની ઇન્ડિયા ચેમ્પિયન્સ સતત ત્રણ મેચ હારી ચૂકી છે. ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ત્યારબાદ બાંગ્લાદેશ સામે 3 રનથી મળેલી શરમજનક હાર પછી ભારત 4 મેચમાં 1 જીત અને 2 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં 5મા સ્થાને ધકેલાઈ ગયું છે. જોકે, ટીમ માટે સેમિફાઇનલના દરવાજા હજુ પણ તદ્દન બંધ થયા નથી.
વેસ્ટ ઇન્ડિઝ સામે 'કરો કે મરો'નો જંગ
લીગ સ્ટેજમાં ઇન્ડિયા ચેમ્પિયન્સનો છેલ્લો અને નિર્ણાયક મુકાબલો 13 ઓક્ટોબર 2026ના રોજ વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સ સામે થવાનો છે. જો ભારતે સેમિફાઇનલમાં સ્થાન મેળવવું હોય તો વેસ્ટ ઇન્ડિઝને માત્ર હરાવવું જ પૂરતું નથી, પરંતુ નેટ રન રેટ સુધારવા માટે મોટા અંતરથી વિજય મેળવવો પડશે. હાલમાં વેસ્ટ ઇન્ડિઝ 4 મેચમાં 2 જીત સાથે 4 પોઇન્ટ ધરાવે છે અને ટેબલમાં ચોથા નંબરે છે.
પોઇન્ટ ટેબલ અને નેટ રન રેટનું ગણિત
દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની તમામ મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જો ઇન્ડિયા ચેમ્પિયન્સ વિન્ડીઝ સામે જીતી જાય છે, તો બંને ટીમોના 4-4 પોઇન્ટ થઈ જશે. આ સ્થિતિમાં જે ટીમનો નેટ રન રેટ સારો હશે તે ટોપ-4માં જગ્યા બનાવીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકશે. તેથી, કેપ્ટન યુવરાજ સિંહે વિન્ડીઝ સામે મોટી જીત મેળવવા માટે આક્રમક રણનીતિ બનાવવી પડશે.
અન્ય ટીમોના પરિણામો પણ બનશે મહત્વના
ભારતના સેમિફાઇનલના સમીકરણો માત્ર પોતાની જીત પર નહીં પરંતુ અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર કરે છે. જો સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો પોતાની બાકીની મેચોમાં વિજય મેળવે અને ઇંગ્લેન્ડ પોતાની બંને મેચો હારી જાય, તો પણ ભારત માટે તકો ખુલ્લી રહી શકે છે. લીગ સ્ટેજની ટોપ-4 ટીમો વચ્ચે 16 ઓક્ટોબરે સેમિફાઇનલ રમાશે, જ્યારે ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો 18 ઓક્ટોબર 2026ના રોજ રમાશે.
આ પણ વાંચો: IND VS WI: 3 વિકેટ લઈને ભારતને જીતાડ્યું, છતાં અર્શદીપે કેમ જાહેરમાં અક્ષર પટેલની માફી માંગી ?