ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ ભારતીય ટીમની બોલિંગને લઈને ચર્ચા શરૂ થઈ છે.ભારતે પ્રથમ દાવમાં 720 રનનો વિશાળ સ્કોર બનાવી 352 રનની લીડ મેળવી હતી.આમ છતાં ભારતીય બોલરો ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગમાં તમામ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.યજમાન ટીમે 5 વિકેટે 239 રન બનાવી મેચ ડ્રો કરાવી હતી.આ પરિણામ બાદ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટીમના સ્પિન બોલિંગ વિકલ્પો પર સવાલ ઉઠાવ્યા છે.તેમના મતે વિદેશી ધરતી પર ટેસ્ટ મેચ જીતવા માટે ટીમમાં એક એવા નિષ્ણાત સ્પિનરની જરૂર છે, જે સપાટ પીચ પર પણ વિકેટ લઈ શકે.

સૌરવ ગાંગુલીએ સ્પિન બોલિંગ પર ઉઠાવ્યા સવાલ

સૌરવ ગાંગુલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા આપતાં ભારતીય ટીમની બેટિંગના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતે વ્હાઇટ બોલ અને રેડ બોલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટિંગ પણ ઘણી સારી રહી છે, પરંતુ વિદેશી ધરતી પર ટેસ્ટ મેચ જીતવા માટે સપાટ થતી પીચ પર વિકેટ લઈ શકે તેવા અસલી સ્પિનરની જરૂર છે.ગાંગુલીના મતે જ્યારે ટેસ્ટ મેચ આગળ વધે છે ત્યારે પીચ ધીરે ધીરે સપાટ થતી જાય છે. આવી સ્થિતિમાં માત્ર રન રોકવા પૂરતું નથી, પરંતુ વિકેટ ઝડપવાની ક્ષમતા ધરાવતા સ્પિનરની પણ જરૂર પડે છે. વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતીય બોલરોને આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વોશિંગ્ટન સુંદરની ભૂમિકા પર પણ સવાલ

ગાંગુલીએ ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની ભૂમિકા અંગે પણ પોતાની વાત રજૂ કરી હતી. તેમના મતે સુંદર એક ઓલરાઉન્ડર તરીકે ટીમ માટે ઉપયોગી છે, પરંતુ તેને ટીમના મુખ્ય સ્પિનર તરીકે જોવો યોગ્ય નથી.આ સાથે જ તેમણે કુલદીપ યાદવ અને માનવ સુથાર જેવા સ્પિનરોની ગેરહાજરી અંગે પણ સવાલ કર્યો હતો. ગાંગુલીએ પૂછ્યું હતું કે જ્યારે ટીમને નિષ્ણાત સ્પિનરની જરૂર છે ત્યારે કુલદીપ યાદવ અથવા માનવ સુથાર ક્યાં છે?હાલની ભારતીય ટેસ્ટ ટીમમાં રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર મુખ્ય સ્પિન વિકલ્પ છે. જોકે, ગાંગુલીના મતે વિદેશી પીચ પર વિકેટ મેળવવા માટે એક વધારાના નિષ્ણાત સ્પિનરની હાજરી મહત્વપૂર્ણ બની શકે છે.

https://x.com/SGanguly99/status/2124754546316689636?a=0UbX77YO0aXMxamEv-w&s=20

352 રનની લીડ પણ ભારતને જીત ન અપાવી શકી

વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 720 રન બનાવીને ન્યૂઝીલેન્ડ સામે 352 રનની વિશાળ લીડ મેળવી હતી. આટલી મોટી લીડ બાદ ભારતીય ટીમની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી હતી.જોકે, ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી ભારતીય બોલરોની મુશ્કેલી વધારી દીધી હતી. ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સે અંતિમ દિવસે ધીરજપૂર્વક બેટિંગ કરી ભારતીય બોલરોને વિકેટ માટે તરસાવ્યા હતા. અંતે ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 239 રન બનાવી મેચ ડ્રો કરાવી હતી.આ મેચમાં ભારતીય ટીમ પાસે જીત મેળવવાની સારી તક હતી, પરંતુ સપાટ પીચ પર બોલરોને વિકેટ લેવામાં સફળતા મળી નહોતી. આથી ટીમની સ્પિન બોલિંગની પસંદગી અંગે સવાલો ઊભા થયા છે.

હવે બીજી ટેસ્ટમાં ટીમ મેનેજમેન્ટ શું કરશે?

ભારતીય ટીમનું આગામી લક્ષ્ય 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ છે. વેલિંગ્ટન ટેસ્ટના પરિણામ બાદ ટીમ મેનેજમેન્ટ સામે બોલિંગ સંયોજનને લઈને મહત્વનો નિર્ણય લેવાનો પડકાર રહેશે.કુલદીપ યાદવ અને માનવ સુથાર આ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમનો હિસ્સો નથી. બંને આ વર્ષે ઓગસ્ટમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સામેલ હતા. હવે જોવાનું રહેશે કે ભારતીય ટીમ આગામી મેચમાં પોતાના બોલિંગ સંયોજનમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં.ગાંગુલીના સવાલોએ ભારતીય ટીમની સ્પિન બોલિંગની પસંદગીને ચર્ચામાં લાવી દીધી છે. હવે બીજી ટેસ્ટમાં ભારતીય બોલરો કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો- Anirudh-Kavya Reception : શાહી અંદાજમાં રિસેપ્શનમાં પહોંચ્યા આકાશ અંબાણી અને શ્લોકા મહેતા, તસવીરો થઈ વાયરલ