વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ પ્રવાસ માટે 15 સભ્યોની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 23 વર્ષના યુવા બેટ્સમેન કેવિન વિકહામને પ્રથમ વખત સ્થાન મળ્યું છે. વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયનશિપમાં સતત 3 સદી ફટકારીને પ્રભાવિત કરનાર વિકહામને તેના શાનદાર પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. બીજી તરફ, ઝડપી બોલર અલ્ઝારી જોસેફને કાર્યભાર અને ઈજાના જોખમને ધ્યાનમાં રાખીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
બાંગ્લાદેશમાં 2 મેચ રમશે
વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. આ શ્રેણી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના ચક્રમાં વેસ્ટ ઇન્ડિઝનો અંતિમ પડકાર રહેશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ 28 ઓક્ટોબરથી મીરપુરમાં અને બીજી ટેસ્ટ 5 નવેમ્બરથી સિલહટમાં રમાશે.
સતત 3 સદી ફટકારીને કેવિન વિકહામે મેળવી તક
23 વર્ષના કેવિન વિકહામને પહેલી વખત વેસ્ટ ઇન્ડિઝની વરિષ્ઠ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. તેમણે 2026ની વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયનશિપમાં સતત 3 સદી ફટકારીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન તેમનો સર્વોચ્ચ સ્કોર 153 રન રહ્યો હતો.વિકહામ અત્યાર સુધી 25 પ્રથમ કક્ષાની મેચોમાં 6 સદી ફટકારી ચૂક્યા છે. તેમનો બેટિંગ સરેરાશ 40થી વધુનો છે. સતત સારા પ્રદર્શનને કારણે હવે તેમને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળશે.બાંગ્લાદેશની ધરતી પર રમવું વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો માટે પડકારજનક બની શકે છે. બાંગ્લાદેશના સ્પિનરો ઘરઆંગણે અસરકારક બોલિંગ કરવા માટે જાણીતા છે. જોકે, તેની ઝડપી બોલિંગમાં પણ તાજેતરના સમયમાં સુધારો જોવા મળ્યો છે. તેથી વિકહામ સહિતના બેટ્સમેનો સામે સ્પિન અને ઝડપી બોલિંગ બંનેનો સામનો કરવાનો પડકાર રહેશે.
https://x.com/ICC/status/2110141920110604630?s=20
શાઈ હોપને આરામ, અલ્ઝારી જોસેફ ટીમની બહાર
વેસ્ટ ઇન્ડિઝના મર્યાદિત ઓવરના કેપ્ટન શાઈ હોપને સતત ત્રણેય ફોર્મેટમાં રમ્યા બાદ આ ટેસ્ટ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે તેમના કાર્યભાર અને ફિટનેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર પહેલાં તેમની ફિટનેસ જાળવવા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.ઝડપી બોલર અલ્ઝારી જોસેફને તબીબી તપાસ અને નિષ્ણાતોની સલાહ બાદ ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. લાંબા ફોર્મેટમાં સતત બોલિંગ કરવાથી ઈજાનું જોખમ વધી શકે છે, તેથી બોર્ડે તેમની સાથે ચર્ચા કરીને આ નિર્ણય લીધો છે.જોકે, જોસેફને મર્યાદિત ઓવરના ફોર્મેટમાંથી બહાર કરવામાં આવ્યા નથી. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી માટે તબીબી ટીમ અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ કામ ચાલુ રાખશે.જોસેફના સ્થાને ઓલરાઉન્ડર કીમો પોલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ, હેમસ્ટ્રિંગની ઈજાને કારણે પાકિસ્તાન સામેની શ્રેણીમાંથી બહાર રહેલા ઓપનર જ્હોન કેમ્પબેલ હવે ફિટ થઈને વાપસી કરવા તૈયાર છે.
18 ઓક્ટોબરે બાંગ્લાદેશ પહોંચશે ટીમ
ભારતમાં ચાલી રહેલી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં સામેલ ન થયેલા વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ ચેન્નઈ સ્થિત સુપર કિંગ્સ એકેડમીમાં તૈયારી કરી રહ્યા છે. સહાયક કોચ ફ્લોયડ રીફરના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓ ટેસ્ટ શ્રેણી માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.આમિર જાંગુ પણ લખનઉમાં રમાયેલી પ્રથમ T20 મેચ બાદ આ તૈયારી શિબિરમાં જોડાયા હતા. સંપૂર્ણ ટીમ 18 ઓક્ટોબરે બાંગ્લાદેશ પહોંચશે. ત્યારબાદ 22થી 24 ઓક્ટોબર દરમિયાન ઢાકામાં 3 દિવસની અભ્યાસ મેચ રમાશે.
બાંગ્લાદેશ પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝની 15 સભ્યોની ટેસ્ટ ટીમ
- રોસ્ટન ચેઝ – કેપ્ટન
- જોમેલ વોરિકન – ઉપકેપ્ટન
- જોશુઆ બિશપ
- જ્હોન કેમ્પબેલ
- તગેનારાયણ ચંદ્રપોલ
- જોશુઆ દા સિલ્વા
- જસ્ટિન ગ્રીવ્સ
- કાવેમ હોજ
- આમિર જાંગુ
- શમર જોસેફ
- બ્રાન્ડન કિંગ
- કીમો પોલ
- કેમાર રોચ
- જેડન સીલ્સ
- કેવિન વિકહામ
આ પણ વાંચો - Team India Selection Update: ODI અને ટેસ્ટ ટીમની જાહેરાતમાં કેમ થયો વિલંબ? સામે આવ્યું મોટું કારણ