IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર થયો છે. ત્રણ સિઝન સુધી ટીમની કેપ્ટનશિપ સંભાળનાર હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સમાં જતો રહ્યો છે અને તેના સ્થાને અર્શદીપ સિંહ મુંબઈની ટીમમાં આવ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે મુંબઈની કમાન કોને સોંપવામાં આવશે? આ દરમિયાન ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર એક એવી તસવીર પોસ્ટ કરી છે, જેને રોહિત શર્માની વાપસી સાથે જોડવામાં આવી રહી છે. રોહિતે અગાઉ પોતાની કેપ્ટનશિપમાં મુંબઈને પાંચ વખત IPL ચેમ્પિયન બનાવ્યું હતું. જોકે, આ તસવીર સત્તાવાર જાહેરાત નથી, પરંતુ ટીમના સંકેતને કારણે રોહિતની વાપસીની ચર્ચા ફરી તેજ બની છે.
મુંબઈની પોસ્ટથી રોહિતની વાપસીની ચર્ચા તેજ
મુંબઈ ઈન્ડિયન્સે 25 નવેમ્બરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ખાસ તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં એનિમેટેડ હાથ મુંબઈ ઈન્ડિયન્સની કેપ પકડી રહ્યો છે. આ તસવીરની પોઝિશન 2020માં મુંબઈએ IPLનો ખિતાબ જીત્યા બાદ કરેલી ઉજવણી જેવી હોવાના કારણે તેને રોહિત શર્માના સફળ કેપ્ટનશિપના સમય સાથે જોડવામાં આવી રહી છે. આ પોસ્ટમાં રોહિત શર્માની કેપ્ટન તરીકે વાપસી અંગે સીધી જાહેરાત કરવામાં આવી નથી. જોકે, હાર્દિક પંડ્યાની વિદાય બાદ આવેલી આ પોસ્ટને કારણે ચર્ચા શરૂ થઈ છે કે મુંબઈ ફરી એકવાર પોતાની જૂની સફળ કેપ્ટનશિપ તરફ પાછું ફરી શકે છે.
https://x.com/mipaltan/status/2125552583465136372?a=d9F7UE52vwDjzpZHr08&s=20
રોહિતે મુંબઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના સૌથી સફળ કેપ્ટન રહ્યા છે. તેમની આગેવાનીમાં ટીમે 2013, 2015, 2017, 2019 અને 2020માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. આ પાંચ ટ્રોફી સાથે તેઓ આઈપીએલના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે. રોહિતે 2013માં મુંબઈની કેપ્ટનશિપ સંભાળી હતી અને 2023ની સિઝન સુધી ટીમનું નેતૃત્વ કર્યું હતું. 2024માં હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ રોહિત ટીમમાં ખેલાડી તરીકે રમતા રહ્યા હતા.
અગાઉ પણ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈએ 2026ની સિઝન દરમિયાન જ રોહિતને ફરી કેપ્ટન બનાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ તે સમયે આ નિર્ણય અમલમાં આવ્યો નહોતો. હવે 2027ની સિઝન પહેલાં ફરીથી તેમની વાપસીની ચર્ચા ચાલી રહી છે.
સત્તાવાર જાહેરાતની રાહ
રોહિતની વાપસી અંગે અગાઉ પણ અહેવાલો આવ્યા હતા. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મુંબઈએ રોહિતને ફરી કેપ્ટન બનવા માટે વિનંતી કરી હતી અને તેમણે આ જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, 24 નવેમ્બરે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ પણ રોહિતને એક સિઝન માટે કેપ્ટન બનાવવાની સલાહ આપી હતી. તેમના મતે, ત્યારબાદ તિલક વર્માને ભવિષ્યના કેપ્ટન તરીકે તૈયાર કરી શકાય છે.
જોકે, 25 નવેમ્બર સુધી મુંબઈ ઈન્ડિયન્સે રોહિતની કેપ્ટન તરીકે વાપસીની સત્તાવાર જાહેરાત કરી નથી. એટલે હાલ સોશિયલ મીડિયા પોસ્ટને સંકેત તરીકે જ જોવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે આઈપીએલ 2027ની હરાજી પહેલાં મુંબઈ કોને ટીમની કમાન સોંપે છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશને 2-0થી હરાવી દક્ષિણ આફ્રિકા ટોપ પર, WTC ફાઇનલની રેસમાં ભારત કયા નંબરે?