દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરે ઓસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારીને મોટી સિદ્ધિ મેળવી છે. કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે મુલ્ડરે દબાણની સ્થિતિમાં શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે તેમણે ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી પણ પૂરી કરી હતી. ખાસ વાત એ છે કે ટેસ્ટ ક્રિકેટમાં 4 કે તેથી વધુ સદી ફટકારનારા બેટરોમાં મુલ્ડરનો 80 ટકાનો સદીમાં રૂપાંતર કરવાનો દર સૌથી વધુ છે.
મુલ્ડરે 221 બોલમાં ફટકારી 115 રન
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ દરમિયાન વિયાન મુલ્ડરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે 221 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 115 રન બનાવ્યા હતા.એક સમયે દક્ષિણ આફ્રિકાની ટીમે 181 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ સ્થિતિમાં મુલ્ડર અને રેયાન રિકેલ્ટને જવાબદારી સંભાળી હતી. બંને વચ્ચે 154 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ દક્ષિણ આફ્રિકાને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વિયાન મુલ્ડરે ખાસ રેકોર્ડ બનાવ્યો
વિયાન મુલ્ડરે પોતાની સદી સાથે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમના કુલ 5 અડધી સદીથી વધુના સ્કોરમાંથી 4 સદીમાં પરિવર્તિત થયા છે. એટલે કે તેમનો સદીમાં રૂપાંતર કરવાનો દર 80 ટકા છે.4 કે તેથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા બેટરોમાં આ સૌથી વધુ છે. આ આંકડો તેમની મોટી ઇનિંગ રમવાની ક્ષમતા દર્શાવે છે.મુલ્ડરે અત્યાર સુધી 27 ટેસ્ટ મેચની 45 ઇનિંગમાં 36ની સરેરાશથી 1440 રન બનાવ્યા છે. તેમના નામે 4 સદી અને 1 અડધી સદી નોંધાયેલી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 367 રન છે.
https://x.com/ProteasMenCSA/status/2116195836526821419?a=Ew-zmnf8HWbbso1xoeA&s=20
રેયાન રિકેલ્ટનનું પણ શાનદાર પ્રદર્શન
વિયાન મુલ્ડર ઉપરાંત રેયાન રિકેલ્ટને પણ આ મેચમાં સદી ફટકારી હતી. તેમના કુલ 4 અડધી સદીથી વધુના સ્કોરમાંથી 3 સદીમાં પરિવર્તિત થયા છે. તેમનો સદીમાં રૂપાંતર કરવાનો દર 75 ટકા છે.રિકેલ્ટને અત્યાર સુધી 18 ટેસ્ટ મેચમાં 1073 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 3 સદી અને 1 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 259 રન છે, જે તેમણે કેપટાઉનના મેદાન પર જ બનાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામે 288 રનનો લક્ષ્યાંક
દક્ષિણ આફ્રિકાની ટીમ ચોથા દિવસના અંતિમ ઓવરમાં બીજી ઇનિંગમાં 387 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. પ્રથમ ઇનિંગમાં 100 રનની સરસાઈ ગુમાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી.આ સાથે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 288 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. કાગળ પર આ લક્ષ્યાંક સરળ દેખાઈ શકે છે, પરંતુ પાંચમા દિવસની પીચ પર ઓસ્ટ્રેલિયા માટે તેને હાંસલ કરવો પડકારજનક બની શકે છે.
આ પણ વાંચો - India ODI Squad : સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ઉલટફેર,આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી!