ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની IPL કારકિર્દીને લઈને ક્રિકેટ ચાહકોમાં ફરી એકવાર ઉત્સુકતા જોવા મળી રહ્યા છે. ચાહકો જાણવા માટે આતુર છે કે શું ધોની આગામી IPL સિઝનમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમતો જોવા મળશે કે નહીં. ધોની તરફથી પોતાના ભવિષ્યને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ CSKના ઝડપી બોલર આકાશ મધવાલે ધોનીના રમવા અંગે મોટો દાવો કર્યો છે.

હજુ IPLને અલવિદા કહેવાના મૂડમાં નથી ધોની

આકાશના જણાવ્યા મુજબ, આગામી સિઝનમાં રમવું કે નહીં તેનો અંતિમ નિર્ણય ધોની પોતે જ લેશે. જો કે, તેમણે જે રીતે ધોનીને પ્રેક્ટિસ સેશનમાં પરસેવો પાડતા જોયો છે તે પરથી તેમને પૂરો વિશ્વાસ છે કે માહી આગામી સિઝનમાં ચોક્કસથી રમતા જોવા મળશે. આકાશે વધુમાં ઉમેર્યું હતું કે CSK કેમ્પમાં આવ્યા બાદથી ધોનીએ એક પણ નેટ સેશન મિસ કર્યું નથી. તે સતત બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે, અને પૂરા જોશ સાથે મહેનત કરે છે. ધોનીનું આ સમર્પણ જોઈને એવું સ્પષ્ટ લાગે છે કે તે હજુ IPLને અલવિદા કહેવાના મૂડમાં નથી.

માહી સંપૂર્ણ ફિટ

ધોનીની ફિટનેસ અંગે વાત કરતા આકાશ મધવાલે જણાવ્યું હતું કે, માહીની ફિટનેસ અને તૈયારીઓ જોઈને તેમને સંપૂર્ણ ભરોસો બેસી ગયો છે. તેમને 100 ટકા વિશ્વાસ છે કે ધોની આગામી IPL સિઝનમાં ચોક્કસથી રમશે. જોકે, આ માત્ર આકાશનો પોતાનો અભિપ્રાય છે અને ધોની તરફથી રમવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અંતિમ નિર્ણય ધોની લેશે

આગામી સિઝનમાં ધોનીના રમવા અંગેનો આખરી નિર્ણય લેવાનો હજુ બાકી છે. જો કે, તેનો અંતિમ નિર્ણય ધોની ખુદ લેશે. પરંતુ CSKના યંગ બોલરનું આ નિવેદન એ કરોડો ચાહકો માટે ચોક્કસથી રાહત અને આનંદ લાવનારું છે, જેઓ માહીને ફરી એકવાર CSKની પીળી જર્સીમાં મેદાનમાં જોવા માંગે છે. ટીમમાં ધોનીના વર્તન અંગે વાત આકાશે જણાવ્યું કે, માહી અત્યંત શાંત સ્વભાવનો છે અને કોઈપણ ખેલાડી તેની પાસે જઈને સરળતાથી વાતચીત કરી શકે છે. જો કોઈ ખેલાડીને કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો તે પણ નિઃસંકોચ તેમની સલાહ લઈ શકે છે. ધોની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવો એ યુવા ક્રિકેટરો માટે એક અદ્ભુત અનુભવ છે, અને તેમની હાજરીથી આખી ટીમને મોટો ફાયદો મળે છે.